‘ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ: ગુરુર્દેવો મહેશ્વર:
ગુરુ: સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમ: ॥’
પરમ કૃપાળુ ઈશ્વર બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ જેટલું જ મહત્વ આપ સૌ ગુરુનું છે અને અને આપ સૌ ગુરુને ભગવાન જેટલો જ આદર આપણી ભારતીય સંસ્કૃતિમાં આપવામાં આવે છે. આપ સૌ ગુરુને સાદર પ્રણામ....🙏🙏🙏
આજે મારે ગુરુ પરંપરા ના તહેવાર ગુરુ પૂર્ણિમા વિશે વાત કરવી છે.
ગુરુપૂર્ણિમા ભારત, ભૂતાન અને નેપાળમાં હિન્દૂ, જૈન, અને બૌદ્ધ ધર્મના લોકો દ્વારા ઉજવવામાં આવે છે. ગુરુપૂર્ણિમા અષાઢ મહિનામાં પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે હિન્દૂ ધર્મ ગ્રંથ મહાભારતના રચયિતા વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. વ્યાસજીએ સૌવ પ્રથમ શિષ્યો અને ઋષિઓને શ્રી ભાગવત પુરાણનું જ્ઞાન આપ્યું હતું. એટલે આ દિવસને ગુરુપૂર્ણિમાંના રૂપમાં ઉજવવામાં આવે છે. તેમજ ભગવાન બુદ્ધએ પણ આ દિવસથીજ ઉપદેશ આપવાની શરૂઆત કરી હતી.
ગુરુ પરંપરાનો આ દિવસ તમામ આધ્યાત્મિક અને શૈક્ષણિક પરંપરાઓને સમર્પિત છે. જેમાં આધ્યાત્મિક જ્ઞાન અને વ્યક્તિ વિકાસ આધારિત જ્ઞાન બંનેનો સમાવેશ થાય છે અને તેનું ઋણ ચૂકવવાનો અવસર માનવામાં આવે છે.
ચોમાસાની ઋતુમાં અષાઢની પૂર્ણિમાના દિવસે કાળા વાદળો છવાય જાય છે અને અંધારું થઇ જાય છે ત્યારે ચંદ્રમા એ વાદળો વચ્ચેથી પ્રકાશ પૃથ્વી સુધી પહોંચાડીને અજવાળું કરે છે. તે રીતે જ ગુરુ એ ચંદ્ર સમાન બનીને પ્રકાશ પાથરે છે. ગુરુ શબ્દનો અર્થ જ થાય કે અંધારું મિટાવી અજવાળું કરવું એટલેકે મનુષ્ય માંથી અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરી જ્ઞાન રૂપી પ્રકાશ પાથરવો.
ગુરુપૂર્ણિમા એટલે કે જ્ઞાનનું પર્વ....ગુરુ વંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુ પૂર્ણિમાં.
ગુરુપૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબધો ગાઢ બનાવતું પર્વ.....
બાળક નાનું હોય અને શાળાના પગથિયા ભરે ત્યારથી ગુરુનું કાર્ય શરૂ થઈ જાય છે. જીવનની દરેક પળે ગુરુની જરૂરીયાત વર્તાય છે અને દરેક પળને સુશોભિત કરનાર આ મહાન આત્માને યાદ કરવાનો અવસર એટલે ગુરુપૂર્ણીમા. ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ. આ પાવન અવસરે ગુરુનું ધ્યાન કરવું અને ગુરુની પૂજા કરવી.
જે આપને અદૃશ્યમાંથી દૃશ્યમાન તરફ દોરી જાય તે ગુરુ.....
જે આપને એક સામાન્ય તત્વમાંથી દિવ્યતા તરફ દોરી જાય તે ગુરુ.....
જે આપને ક્ષણજીવીમાંથી સનાતન તરફ દોરી જાય તે ગુરુ....
જે આપને અંધકારમાંથી ઉજાસ તરફ દોરી જાય તે ગુરુ.....
જીવનની તમામ સમસ્યાને પાછળ છોડી અનુભવોના આધારે તમને ઊંચાઈ સુધી લઈ જાય તે ગુરુ.....
એટલે જ તો કહ્યું છે કે ધ્યાન, જ્ઞાન, ધૈર્ય અને કર્મ ગુરુએ આપેલા અણમોલ મોતી છે.
ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનું પૂજન કરવાનો દિવસ. કહેવાય છે કે ગુરુ પાસેથી દીક્ષા લીધા વિના જાપ, પૂજા વગેરે નિષ્ફળ જાય છે. એટલે ગુરુ દીક્ષા હેઠળ ગુરુ પોતાના શિષ્યને એક મંત્ર આપે છે. જ્યારે તમે મુશ્કેલીમાં ફસાયેલાં હોવ, કોઈ નિર્ણય લઇ શકો નહીં તો ગુરુ આવા મુશ્કેલ સમયનો સામનો કરવા માટે રસ્તો બતાવે છે. એટલે જ આપણે ત્યાં ગુરુનું ખૂબ જ મહત્વ છે.
ગુરુ વગરનું જીવન નકામું છે. આપણી કાઠિયાવાડી સંસ્કૃતિમાં જેના કોઈ ગુરૂ નથી... તેને "નુગરા" નું બિરુદ આપી અપમાન કરવામાં આવે છે.. તેમનો જેની પાસેથી કઈક શીખવા મળે છે.. જ્ઞાન પ્રાપ્ત થાય છે.. તે તમારા ગુરુ છે... કહેવાય છે કે ભગવાન દત્તાત્રયે એક-બે નહી પણ ૨૪ ગુરૂને સ્વીકાર્ય કર્યા હતાં...જેમાં પૃથ્વી, વાયુ, આકાશ, જલ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગીયુ, મધમાખી, હાથી, મધ લઈ જનાર પારધી, હરણ, માછલી, વેશ્યા, ટીટોડી, બાળક, કુમારી, બાણ બનાવનાર, સર્પ, કરોળીયો અને ભમરાનો સમાવેશ થાય છે.
ગુરુથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી, ગુરુથી અધિક તપ નથી અને ગુરુથી વિશેષ કોઈ જ્ઞાન નથી એવા મારા તમામ ગુરુદેવોને નમસ્કાર અને દંડવત વંદન.......