ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામે પ્રસિધ્ધ હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે. ગુજરાત ભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે.ગેળા ગામે શ્રીહનુમાનજી દાદાનું ભવ્ય ઐતિહાસિક શ્રીફળ મંદિર આવેલું છે. જ્યાં હજારો ટન શ્રીફળ એકઠાં થયેલા છે. પરંતુ એક માન્યતા મુજબ તેમાંથી એકપણ શ્રીફળ લઇ જવાતું નથી અને જો કોઇ તેમાંથી શ્રીફળ લઇ જાયતો તેનાથી બમણા શ્રીફળ ત્યાં મુકવા પડે છે. નહિ તો કંઇક અશુભ સમાચાર મળે છે. તેમજ અહી ભક્તો દ્વારા બાધા-માનતા માનવામાં આવે છે. આ હનુમાન મંદિર ભક્તજનોનું આસ્થાનું કેન્દ્ર બનતા છેલ્લા પાંચ-છ દાયકાથી અહીં ભક્તજનો વધેર્યા વિના જ શ્રીફળ ચડાવે છે. ડીસાથી લાખણી 32 કીમી જેટલું થાય છે. લાખણી નજીક જ ગેળા ગામમાં આ મંદિર આવેલુ છે. આ મંદિરની વિશેષતા અહિંના શ્રીફળનો વિશાળ ઢગ છે. એક નાના ડુંગર જેવડો આ શ્રીફળોનો ટેકરો લોકોને આકર્ષી રહ્યો છે તેમજ લોકોની શ્રદ્ધા પણ વધારી રહ્યો છે. વર્ષોથી હનુમાનજી દાદાને ધરાવેલ આ શ્રીફળ સડતા નથી, અહીં ગંદગી કે જીવાત પણ ફેલાતી નથી. વર્ષોથી ચાલતી ભક્તજનોની આ પૂજા પ્રસાદથી અહીં શ્રીફળનો પહાડ રચાયો છે અને આશરે એક કરોડથી પણ વધારે શ્રીફળ આ પાવન જગ્યાએ જમા થતા એક નવીન ધાર્મિક કીર્તીમાન બનેલ છે.
શ્રીફળવાળા હનુમાન તરીકે જાણીતું આ સ્થાનક આશરે ૬૦૦ થી ૭૦૦ વર્ષ પુરાણું હોવાનું મનાય છે. જિલ્લા અને દેશ દુનિયામાંથી ભક્તજનો અહીં દર શનિવારે પોતાની મનોકામના પૂરી કરવા શ્રીફળ પ્રસાદરૃપે અહીં હનુમાનજીને ભાવપૂર્વક ચઢાવે છે. નજીકના લોકો પાંચ-દશ માઈલથી ચાલતા પણ આવે છે. જેનાથી ધાર્મિક દિવસો અને શનિવારના રોજ અહીં ગ્રામ્ય મેળા જેવો માહોલ જામે છે.
આ મંદિરનો ઇતિહાસ એક કથા પ્રમાણે વર્ષો પહેલાં આસોદર ગામમાં એક બ્રહ્મદેવ, એક બ્રાહ્મણ પોતાની ગાય બાંધવા માટે જમીનમાં એક ખુંટો ખોસવા, જમીન ખોદી રહ્યા હતા. તે દરમિયાન જમીનમાંથી એક પત્થરની શિલા નીકળે છે. આ શિલા જોઇ મારાજ ખુશ થઈ ગયા. આ શિલા નીકળવાની ઘટના વાયુવેગે આખા ગામમાં પ્રસરી ગઇ. ગામ લોકો આ એક વિશેષ શિલાને જોવા ઉમટી પડ્યા. દરમિયાન આ ગામમાં સંત મહાત્મા શંભુગીરી બાપુ પણ આવેલા. બાપુએ અને ગામ લોકોએ આ શિલાને સામાન્ય પત્થર ન માની એક દેવ સંકેત સમજી તેની પુજા શરુ કરી. પુજ્ય શંભુગર બાપુએ હનુમાનજી મહારાજનો આવાહન કરીને આ સ્વયંભુ પ્રગટ શિલા પર સૌ પ્રથમ કંકુ લગાવ્યો અને આ સ્થાનકે એક શ્રીફળ રડતું મુક્યુ. તે સમયે શંભુગર બાપજીએ લોકોને કહ્યું કે જગ્યાએ આપ સૌ સદૈવ પુજા કરજો. વર્ષમાં એક વખત આખું ગામ અહીં સામુહિક, પુજા, પ્રસાદ કરજો, હનુમાન દાદા તમારી દરેક આપદામાં રક્ષા કરશે. ત્યારથી લઈને આજ દિન સુધી આ મંદિરની શ્રધ્ધા, પુજા અને આરાધના અનવરત અને અખંડિત રીતે ચાલી રહી છે.
આ ચમત્કારિક હનુમાનજી ખીજડાના ઝાડ નીચે બિરાજમાન છે. મંદિર સાથે જોડાયેલી દંતકથા એવી પણ છે કે, અંદાજીત પચાસ-સાઈઠ વર્ષ પહેલા થરાદના આશોદર મઠના તપસ્વી મહંત હરદેવપુરી મહારાજ અહીં આવ્યા હતા અને તેમને અહીં ચઢાવેલા શ્રીફળ બાળકોને ખાવા આપ્યા હતા. જો કે, તે બાદ બાળકો બીમાર પડતા હનુમાનદાદા પાસે શ્રીફળ ચઢાવવાની રજા માંગી હતી, પરંતુ દાદાએ રજા ના આપતા આશોદર મઠના તપસ્વી મહંત હરદેવપુરી મહારાજે હનુમાનજીને મીઠો ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે, બાળકોને શ્રીફળ પ્રસાદ તરીકે ખાવામાં જો તમારા શ્રીફળ ઓછા થઈ જતા હોય તો તમો અહીં શ્રીફળનો ઢગલો કરી બતાવજો. અને બસ તે દિવસથી અહીં કોઈ શ્રીફળ વધેરતું નથી. દાયકાઓ વીતી ગયા હોવા છતાં અને વરસાદ, વંટોળ સહિતની અનેકો હોનારતો બનતી હોવાછતાં કરોડથી વધુની સંખ્યા ધરાવતો શ્રીફળનો આ પહાડ હનુમાનજીની કૃપાથી અડીખમ ઉભો છે. એક વખત બીએસએફ ના અધિકારીઓ હેલિકોપ્ટર દ્વારા નીકળ્યા હતા અને ઉપર થી જોયું તો નવાઈ લાગી કે આ શું છે અને પછી તેઓ તપાસ કરવા આવેલા અને પછી દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
દર શનિવારે અહીં દર્શનાર્થીઓનો મેળો ભરાય છે. હજારો લોકો અહીં દર્શન કરી મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. વર્ષો પહેલાની એજ શ્રીફળ મુકવાની પરંપરા આજ દિન સુધી અકબંધ રહી છે અને તેના પરિણામ રુપ ગેળા હનુમાનજી મંદિર પાસે શ્રીફળનો એક પર્વત ખડો થઈ ગયો છે. આ ગેળાવાળા હનુમાનજી મહારાજના અનેકો ચમત્કાર, પરચા છે, જેની વાતો અહીંના હર એક માનવીના હૈયૈ તેમજ હોઠે છે. આપ પણ આ વિસ્તારમાં આવવાના હોય તો આ વિશેષ સ્થાનકના દર્શન જરુર કરજો..
સાભાર :-
સ્થળ મુલાકાત લેખન :-મહાદેવ બારડ
માહિતી - દશરથદાન ગઢવી/ જીતુ ઠકરાર સાહેબ