Monday, September 18, 2023

વ્રજવાણી ધામ કચ્છ

કચ્છનો વાગડ વિસ્તારના એ ઐતિહાસિક વારસો ધરાવતો વિસ્તાર છે. વાગડના વ્રજવાણી ધામની (Vrajvani Dham) વાત કરીએ તો કહેવાય છે કે અહીં 500 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયમ ઢોલીનું રૂપ લઈને ઢોલ વગાડ્યો હતો. પરમાત્માના ઢોલના તાલમાં મશગુલ થયેલી 140 આહીરાણીઓ કૃષ્ણ ભગવાનની પાછળ સતી થઈ હતી.



લોકવાયકા મુજબ વૃન્દાવનનો અધુરો રાસ ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજવાણી ગામે ઢોલી બનીને પૂર્ણ કર્યો હતો. આ પવિત્ર અને ઐતિહાસિક જગ્યા એટલે કચ્છના રાપર તાલુકાના પ્રાંથળ વિસ્તારમાં આવેલ વ્રજવાણી મુકામે આવેલ વ્રજધામ સતી મંદિર.

ઢોલીડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી

સાત વીસ સતીયું રમે છે આહિરાણી

ઢોલી રૂપે કાનો આયો તો વ્રજવાણી

લોકગીતની આ પંક્તિઓ કોઈ એ સાંભળી ના હોય એવું ભાગ્યે જ બને. પણ બહુ ઓછા લોકોને રાસમાં ગવાતી આ કડીઓ પાછળનો ઇતિહાસ ખબર હશે. 

આહીરના વહીવંચા બારોટ ના જણાવ્યા મુજબ સંવત ૧૫૧૧ વૈશાખ સુદ ચોથના આ ગામે આહિરાણીઓ સતી થઇ હોવાનો ઉલ્લેખ છે. 

વ્રજવાણી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ એક ઐતિહાસિક ગામ છે. આજે ત્યાં એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. 

સ્થાનિકોની માન્યતા પ્રમાણે, એ સમયે વ્રજવાણી તથા આસપાસનાં 12 ગામોમાં આહીરોનો વસવાટ હતો અને તેઓ વ્રજની બોલી બોલતા એટલે જ આ ગામ વ્રજવાણી તરીકે ઓળખાતું હતું. એ સમયે વાગડના ઢોરની દેશદેશાવરમાં ચર્ચા થતી અને તેમનું પાલન આહીરોનો મુખ્ય વ્યવસાય હતો.

સ્થાનિકોની માન્યતા પ્રમાણે, વિક્રમ સંવત 1512ના (ઈ.સ. 1455 આસપાસ) વૈશાખ સુદ બીજના દિવસે વ્રજવાણી તથા આસપાસનાં ગામોની આહીરની સ્ત્રીઓએ રાસ રમવાનું શરૂ કર્યું. સવારથી સાંજ અને રાત સુધી 'રાહડા' ચાલ્યા. ઢોલીને એમ કે રમનાર થાકે ત્યારે અટકવું અને રમનારને એમ કે ઢોલી થાકે તો અમે અટકાવીએ. આમ બીજ, ત્રીજ અને ચોથ સુધી ચાલ્યું.

140 આહિ‌રાણીયું સવારના પહોરથી ઢોલના તાલે કદમતાલ મિલાવી રમવા લાગી ,  ઢોલીની થાપ પડતી ગઇ ધ્રુજારી ઉત્પન્ન થતી ગઇ અને 140 આહિ‌રાણીયું  ચૂડલા અને પગમાં કાંબી-કડલો પહેરી રાસડા લેતી રહી, રાત આખી વીતવા આવી, ત્યાં સુધી તેઓના પગ થંભ્યા નહીં ,ચારેબાજુ જાણે મુરલીધરની ભક્તિનું વાતાવરણ સર્જાયું હોય . ઢોલીનો ઢોલ નહી, વ્રજની વાંસળી વાગતી હોય એવો નાદ સંભળાવા લાગ્યો. આહિરાણીઓ ભાન ભૂલીને રાસ લેવા માંડી. કૃષ્ણપ્રેમનું આ અદ્ભુત દ્રશ્ય કચ્છના વ્રજવાણીએ જામ્યું હતું. આહીરાણીઓ ગોકુળની ગોપીઓ બની ગઈ હતી, 

ત્રણ દિવસ અને રાત સતત આમ ચાલતા પરિવારોના વૃદ્ધોને ચિંતા થઈ. ઢોલી કોઈ કામણગારો કે તાંત્રિક હોવાની પણ આશંકા થઈ. 

સાંજથી પશુઓની દોહાઇ અને રાતનું વાળું બાકી હતું, નાના બાળકો રોતા રોતા ભૂખ્યા પેટે સૂઇ ગયા હતા,  પોતાની પત્નીને ઘરે પાછા લઈ જવા માટે ગયેલા આહીરો વીલા મોઢે પાછા ઘરે આવ્યા.

          બીજા દિવસના પ્રથમ પહોરે ગામના આહિ‌ર યુવાનોએ સ્થળે જઇ જોયું તો બધીયે આહીરાણી રાસ રમવામાં મશગૂલ હતી. એવામાં એક આહિ‌ર યુવાન ગુસ્સામાં આવીને આ સમસ્યાનો મૂળ આ ઢોલી જ છે એમ વિચારીને ઢોલીને તલવારનો ઝાટકો મારી તેની ગરદન ધડ થી અલગ કરી નાખી,  પણ ઢોલીનુ ધડ અને હાથ ઢોલ પર થાપ પડતા જ રહ્યા. સૂરની પ્રેમી અને કૃષ્ણની ધૂન પર રાસ રમતી આહિ‌રાણીઓ સમી ગોપીઓએ થંભી ગઇ, ઘરે જવા ઇનકાર કરી તેઓ એ સંગીતના પ્રેમ વિયોગમાં તરત એ જગ્યા એ પ્રાણ ત્યાગ કર્યો, અમૂક વિદ્વાનો એ પણ ઉલ્લેખ કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણ તેમનુ વ્રજમા અધૂરૂ મુકેલ રાસ પુરુ કરવા ઢોલી રૂપે આવે છે.  શ્રીકૃષ્ણે ગોકુળ, મથુરા અને વૃંદાવનમાં ત્રણ રાસ રમ્યા હતા અને તેમણે ચોથો રાસ રમવાનું વચન આપ્યું હતું, જે તેમણે વ્રજવાણી ખાતે પૂર્ણ કર્યું હતું." આ મુજબ ઢોલી કૃષ્ણના રૂપમાં અને ગોપીયું 140 આહીરાણીના રૂપ મા હતી, કૃષ્ણ પ્રત્યેના પ્રેમનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજે ક્યાં હશે? આ સાક્ષાત્ સતીઓ તરીકે જ પૂજાણી. 

આ સ્થળ પર આજેય તે સતીઓના ૧૪૦ પાળિયા છે તેમજ દરેક પાળિયા પર તેમના નામ લખેલા છે અને ઢોલીનો પાળિયો અને નવું બનેલું સતી સ્મારક છે, જેમાં ઢોલીના પાળિયામાં આજે પણ કાન ધરતા એક બિટ સંભળાય છે, માઇક્રોવેવ સમી ધ્રુજારી ઉત્પન્ન થાય છે. ઢોલના અવાજ સંભળાતા હોવાનું મુલાકાતીઓના મોઢેથી સાંભળ્યું છે, જેના વાસ્તવિક અનુભવ અંગે મતમતાંતર હોઈ શકે.


વહીવંચા બારોટના ચોપડે સતી થવાનો ઇતિહાસ

ભારતમાં આશરે ચાર કરોડ આહીરો હોવાનો અંદાજ છે. ગુજરાતમાં આહીર જ્ઞાતિ મુખ્ય જ્ઞાતિઓ પૈકીની એક છે. આહીરોની ચાર પેટા જ્ઞાતિ છે. મચ્છુ નદીને કાંઠે વસ્યા તે મચ્છોયા આહીર કહેવાયા. સોરઠમાં રહેવા લાગ્યા તે સોરઠિયા કહેવાયા. કચ્છના વાગડિયા વિસ્તારના પરાવથર પંથકમાં વસ્યા તે પરાવથારિયા કહેવાયા. પાંચાળ પ્રદેશમાં વસ્યા તે પંચોળી આહીરો તરીકે ઓળખાયા.

'આહીરોની ઉદારતા' પુસ્તકનું છઠ્ઠું પ્રકરણ કચ્છના વ્રજવાણી વિશે છે. જેમાં આહીર જ્ઞાતિના વહીવંચા ભીમજીભાઈ ભુરાભાઈ બારોટને (ચોબારીવાળા) ટાંકતાં અમરાસર તળાવના કાંઠે મૃત્યુ પામનારાં 140 આયરાણીનાં નામ લખ્યાં છે.

ગુજરાતમાં સદીઓ સુધી વહીવંચા બારોટોની પરંપરા રહી છે. જે મુજબ આહીર સમાજમાં વર્ષમાં તેઓ એક વખત પરિવારની મુલાકાત લે, પરિવારમાં નવા ઉમેરાયેલા સભ્યોનાં નામોનો વંશાવલીમાં ઉમેરો કરવામાં આવે તથા મૃતકોનાં નામ-સમયની નોંધ કરવામાં આવે. પરિવારજનોની શૂરવીરતા અને તેમના ઇતિહાસ અંગે વાંચન કરવામાં આવે, જેથી કરીને પરિવાર તેમના પૂર્વજનોના પરાક્રમો વિશે વાકેફ થાય અને તેનાથી પ્રેરિત થાય.

પુસ્તકની નોંધ (પેજનંબર 64-69) પ્રમાણે, વાગડ પ્રદેશમાં આહીરો ગાય-ભેંસો ચારતા. અહીંના માલઢોરની દેશદેશાવરમાં ચર્ચા રહેતી. જેને સાંભળીને પારકરના યવનોએ ધણ વાળવા હુમલો કર્યો. આહીરો અને યવનો વચ્ચે રકતરંજીત હોળી ખેલાય છે અને યવનો પાછા વળે છે, પરંતુ અનેક આહીર યુવાન કામમાં આવી ગયા.

એ સમયે આયરાણીઓ વ્રજવાણીમાં રાસ રમતાં હતાં, ત્યારે જ્ઞાતિના પટેલ ખોખા ડાંગર આવીને તેમને કહે છે, 'તમારાં સગપણ થઈ ગયાં છે એ બધા આહીર યુવાનો ગાયોને માટે કામમાં આવી ગયા છે. તમે બધા અહીં રાસ રમો છો, એટલે હવે તમારા પતિઓને ઓળખી કપાળે તિલક કરીને રાસ રમવા આવો.'

ઉપસ્થિત આયરાણીઓએ એમ કરે છે અને સુદ્ધ-બુદ્ધ ગુમાવીને છેલ્લી વખતના રાસ રમે છે. ઢોલી ઢોલ પીટે છે અને પછી સવાર સુધીમાં એક પછી એક 140 યુવતીઓ દેહનો ત્યાગ કરે છે. પુસ્તકમાં સરતી નામના ઢોલી સ્વરૂપે કૃષ્ણ હોવાનો અને તમામનાં મૃત્યુ પછી તે પણ દેહ છોડી દે છે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

છેલ્લે ખોખા ડાંગર ગામને દૂધની ધારવડી આપીને નીકળી જાય છે. આ કરૂણ ઘટનાને કારણે આહીરોએ ગામનું પાણી અગરાજ કર્યું અને સદીઓ સુધી અહીં અને પાસેના અમરાસર તળાવનું પાણી પીધું ન હતું. એ પછી આહીરોએ દેવીસર (ખેરાઈ) વસાવ્યું.

અન્ય એક વાયકા મુજબ, ઢોલીના તાલે આહીરની દીકરીઓ મનમૂકીને રાસ રમી રહી હતી, ત્યારે કોઈ વટેમાર્ગુએ આહીરોની કાનભંભેરણી કરી, જેથી તેને મારી નાખવામાં આવે છે. પોતાને કારણે ઢોલીનો જીવ ગયો હોવાથી તથા તેમની ઉપર શંકા થઈ હોવાનું લાગી આવતાં તેઓ દેહ છોડી દે છે. એ પછી આહીરો ગામ છોડી દે છે અને અમરાસરનું પાણી ત્યજી દે છે.

વ્રજવાણી ધામના 'સરકારી ઇતિહાસ'માં પણ આવો જ કંઇક ઉલ્લેખ જોવા મળે છે. કચ્છ ગૅઝેટિયર (પૃષ્ઠક્રમાંક 162-163) પરના ઉલ્લેખ પ્રમાણે, રાપર તાલુકાના વ્રજવાણીમાં એક ઢોલી હતો તે એટલો પારંગત હતો કે તેના ઢોલ ઢબૂકે એટલે આયરાણીઓ ઘરનાં કામકાજ પડતાં મૂકીને પણ રાસ રમવા દોડી જતી.

એક આહીર યુવકે ઇર્ષ્યામાં ઢોલીના માથા પર પ્રહાર કર્યો અને તેની હત્યા કરી નાખી. વ્યથિત આયરાણીઓએ તેમનાં હાથીદાંતના ચૂડલા કપાળે મારીને દેહ છોડી દીધા.

જોકે, સરકારી ગૅઝેટિયરમાં 120 આયરાણીઓએ દેહનો ત્યાગ કર્યો હોવાનો તથા તેમનાં 120 પાળિયા હોવાનું નોંધવામાં આવ્યું છે. એ પછી શું થયું તેના વિશે કોઈ ઉલ્લેખ નથી.

વસ્તાભાઈ આહીરના જણાવ્યા પ્રમાણે, 2012માં વૈશાખ સુદ ચોથના દિવસે અહીં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી અને 140 આયરાણીઓની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી. સાથે જ તેમના નામોલ્લેખ પણ છે.

આ સિવાય અહીં રહેવા-જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી. જનમાષ્ટમી તથા વૈશાખ મહિનાના પહેલા અઠવાડિયામાં અહીં વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે.

વ્રજવાણી કઈ રીતે જશો ?

વ્રજવાણી આવવા માટે સામખીયાળીથી વાયા રાપર થઈ 94 કિમિ અંતર કાપી જઈ શકો છો. તેમજ આડેસરથી 55 કિમિ દૂર છે... આડેસરથી વાયા મોમાઈ મોરાથી પણ જઈ શકાય...

કોન્ટેક નંબર :-

રહેવા જમવાની સુંદર વ્યવસ્થા છે... વ્રજવાણી માટે  9825767784 નંબર પર સંપર્ક કરી શકો છો.