Tuesday, March 5, 2024

અંબાણી પરિવારના ઘરે લગન...કે ભારતનું પ્રમોશન

એક ગુજરાતીએ આખી દૂનિયામાં છાકો પાડી દીધો. ગુજરાતીઓનો રોલો પાડી દેવાની પરંપરા આગળ વધી. લગ્ન તો હજી દૂરની વાત છે. આ તો ટ્રેઇલર છે. પૈસા છે ને વાપરવા છે એમાં નવાઇ શું ! ગુજરાતીઓની રેન્જ જૂઓ. વિશ્વને સાદગી દેખાડનાર પણ ગુજરાતી અને વિશ્વને ચકાચૌંધ કરી દેનાર પણ ગુજરાતી.

દૂનિયાના અત્યાર સુધીના સૌથી મોંઘા પાંચ લગ્નો ચાર પરિવારમાં થયાં છે. બે બ્રિટનના રોયલ ફેમિલીમાં, એક ભારતના અંબાણી ફેમિલીમાં, એક મિતલ ફેમિલીમાં અને એક મોનેકોના રોયલ ફેમિલીમાં.

અત્યાર સુધીના સૌથી મોંઘા લગ્ન પ્રિન્સ ચાર્લ્સ અને ડાયેનાના થયાં પછી બીજો જ નંબર મુકેશ અંબાણીની દિકરી ઇશા અંબાણીના લગ્નનો છે. આશ્ચર્ય સાથે ત્રીજા નંબરે પણ ભારત જ છે. લક્ષ્મિ મિતલની દિકરી વેનિશાના લગ્ન. અને ચોથા ક્રમે ફરી બ્રિટનનુ રોયલ ફેમિલી - પ્રિંસ વિલીયમના લગ્ન. મુકેશભાઇએ અત્યારે જે પ્રિ વેડિંગનો ખર્ચ કર્યો છે એ જોતાં લાગે છે કે બ્રિટનના રોયલ ફેમિલીનુ પહેલાં નંબરનુ સ્થાન જોખમમાં છે. જો એવું થશે તો 'વર્લ્ડ્સ ટોપ ફાઇવ મોસ્ટ એક્સપેન્સિવ વેડિંગ' ફક્ત ત્રણ જ પરિવારના બનીને રહી જશે. અત્યારે જેનો પાંચમો નંબર છે એ મોનેકોના પ્રિન્સ આલ્બર્ટને આમાંથી બહાર નીકળવુ પડશે. બધાંને એ તો જાણ જ હશે કે 'વર્લ્ડ્સ મોસ્ટ એક્સપેન્સિવ હાઉસ' માં પણ પહેલાં અને બીજા નંબર પર બ્રિટન રોયલ ફેમિલી અને અંબાણી પરિવાર - આ બે ફેમિલી જ છે.

અંબાણી ફેમિલી એ ભલે 'રોયલ ફેમિલી' ન ગણાય. એક 'આમ' ફેમિલી હોવાં છતાં બિઝનેશથી માંડીને ચેરિટી, લાઇફસ્ટાઇલ, એન્ટરટેઇનમેન્ટ, એન્જોયમેન્ટ, ફેમિલી ટ્રેડિશન, સેલિબ્રેશન્સ, આર્ટ, સ્પોર્ટ, એજ્યુકેશન, રિલીજીયન, રેપો, હોલ્ટ, એટાયર અને એ બધી બાબતોમાં ફક્ત દેખાડો નહી, ઉંડી સુઝબુઝ પણ - કઇ બાબતમાં રોયલ નથી ! મને તો નિતબેન જ્યારે એની પોતાની આગવી સ્ટાઇલમાં 'જય શ્રી કૃષ્ણ' બોલે છે ત્યારે એમાં 'ઇંડિયન રોયલનેશ' દેખાય જ છે. પોતાના લગ્નમાં 'માય ડેડ ઇઝ એવરીથીંગ ફોર મી' એવું અંનંત બોલે છે એમાં ભારતના પ્રાચિન સંસ્કારીતાના વારસાની 'રોયલનેશ' દેખાય જ છે. એક વખત વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિની યાદીમાં પહેલા ક્રમે રહેલ માણસ દિકરાના લગ્નમાં પોતાના ગામને ન ભૂલીને એના સામાન્યજનો સાથે 'મને ભજીયા બહું ભાવે છે' એમ કહેતાં કહેતાં ગ્રામજનો વચ્ચે ઉભા ઉભા ભજીયા ખાઇ લેતાં મૂકેશભાઇની આ છટામાં 'રોયલનેશ' દેખાય જ છે. અને પ્રાચિન ભારતના મંદિરો જેવો ભવ્ય સેટ ઉભો કરીને એમાં રૂપ રૂપના અંબાર જેવાં તો પોતે છે જ, તેમ છતાં પણ ફુલફટાક સો ટકા ભારતીય પરિધાનમાં આવીને 'વિશ્વંભરી અખીલ વિશ્વ તણી જનેતા' પર ભરતનાટ્યમ્ કરતાં નિતાબેનના નૃત્યમાં ય 'રોયલનેશ' દેખાય છે. સાદગી આ લોકોને ન ફાવે, 'રોયલનેશ' એમના જીવનમાં છે. એમની જીવનશૈલિમાં છે. એમના સંસ્કારોમાં છે. એમના વાણી, વર્તન, વ્યવહારમાં છે. એમના સંબંધોમાં છે. એમના પ્રસંગોમાં રખાતા સામસામા વહેવારોમાં છે. એમના દ્વારા ઉજવાતા તહેવારો અને પ્રસંગોમાં છે. છેલ્લાં ચાર દિવસથી તમામ સોશ્યલ મિડીયા હેન્ડલ્સને જેણે બાનમાં લઇ લીધાં છે એવાં એના હાકોટા અને પડકારામાં 'રોયલનેશ' છે.

જામનગરમાં દેશી રીતે પ્રસંગ કર્યો અને સાદગીનો દેખાડો ને દંભ કરે છે એવી કેટલીય વાતો ફરતી થઇ છે. તો સૌથી પહેલી વાત તો એ કે ભારતીય લગ્ન એ જગતભરમાં એના રીતરસમો, કોસ્ચ્યુમ્સ, જમણવારી, વિધીવિધાનો અને લગ્નપ્રસંગમાં ઉજવવામાં આવતી નાની-નાની વિધીઓ જેમ કે મહેંદી, પીઠી, સંગીતસંધ્યા, ફેરા, કન્યાદાન વગેરેથી પ્રખ્યાત પણ છે અને યુનિક પણ છે.   છેલ્લાં અમૂક સમયથી ભારતમાં જે થિમ વેડિંગ અને ડેસ્ટિનેશન વેડિંગના કોન્સેપ્ટ્સ આવ્યાં છે એમ મૂકેશભાઇનુ પણ આ દિકરાના લગ્નનુ ડેસ્ટિનેશન અને થિમ પ્રિ - વેડિંગ હોઇ શકે. જેમાં થિમ જ એવી વીચારાઇ હોય કે જેમાં પરંપરાઓને પ્રાધાન્ય આપવાનુ હોય. અને પરંપરા, સંસ્કાર, રીતરસમો એ બધું આ પરિવાર જાળવી રાખે છે, જાળવી શકે છે - એની આખી દૂનિયા સાક્ષી છે. કદાચ આ લગ્નની થિમ જ એવી વિચારાઇ હોય કે જેમાં લોકોને પંગત પાડીને જમવા બેસાડવાના, પીરસવા માટે નિકળવાનુ, લોકોને આગ્રહ કરવાનો, ભાવ આપવો (ભાવ આપવો એ હવે જો કોઇને ખબર ન હોય તો વડીલોને પૂછવું) આવું જ બધું રાખ્યું હોય. કેમ ? જૂની પરંપરાઓ અને કપડાઓ અને દાગીનાની ડિઝાઇન્સ અને બ્લા બ્લા બ્લા બધું જ હવે નવેસરથી એને અત્યારની પરિસ્થિતી મૂજબ ઢાળીને નવી નવી થિમ્સ નથી વિચારાતી ! તો આ પરિવાર એવું ન કરી શકે ? મૂકેશભાઇનો એટલો જ વાંક કે એ અરબો નહી, ખર્વો નહી, નિખર્વોપતિ છે ! બાકી પોતાને ગામના લોકો સાથે જે વહેવાર પતાવવો હતો એ પતાવીને પછી જોયું ને કે જામનગર કેવું આખા વિશ્વની નજરમાં કેવું આવી ગયું ! કોઇપણ દેશની સરકારોએ પોતાના કોઇ 'ટુરિઝ્મ પ્લેસ' નુ ઇન્ટરનેશનલ માર્કેટિંગ અને બ્રાંડિંગ કરવું હોય તો આ મૂકેશભાઇએ પ્રિ વેડિંગમાં કર્યો એવો અઢળક ખર્ચ જ કરવો પડે હો ! અને એની પ્રોસેસ પણ વર્ષો સુધી ચાલે. જ્યારે મૂકેશભાઇએ ત્રણ દિવસમાં તો આખી દૂનિયામાં જામનગર-જામનગર કરાવી દીધું. હવે બિલ ગેટ્સ પણ જામનગરને ઓળખે છે અને માર્ક ઝુકરબર્ગ પણ જામનગરને ઓળખે છે. રિહાના ય ઓળખે ને ટ્રમ્પપુત્રી પણ ઓળખે છે. તો જામનગરનુ આ પ્રમોશન તો પ્રિ વેડિંગની 'બાય પ્રોડક્ટ' જ થઇ ને ! આનો ફાયદો આખા દેશને છે. કાલ ઉઠીને મોદીબાપાને જો જામનગરને ટુરિઝમ ક્ષેત્રે આગળ લાવવું હોય તો મોટા ભાગનુ કામ તો અંબાણીબાપાએ કરી દીધું. બિલ ગેટ્સ લગ્નમાં આવ્યાં હતાં તો ભેગાભેગ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પણ આંટો મારતા આવ્યાં. ઇન્સ્ટામાં મસ્ત પોસ્ટ અને રિલ મૂકી છે. જોજો. દેશને આ જે ફાયદો થયો એ મૂકેશભાઇના ખાતામાં જ જાય ને ! એણે તો આ લગ્નમાં આવવાં સાથે મોદીસાહેબ સાથે પણ મૂલાકાત કરી લીધી. કાલ ઉઠીને ભારત સરકાર દ્વારા કોઇ જાહેરાત આવી પણ જાય ! માર્ક ઝુકરબર્ગ અને ટ્રમ્પની દિકરી પ્યોર ટ્રેડિશ્નલ ઇંડિયન વેડિંગ કોસ્ચ્યુમ્સ પહેરીને એ ફોટા આખી દૂનિયામાં બતાવે છે એના થકી ભારતની જે ઓળખ દૂનિયાને મળશે એનો જશ મૂકાભાઇને જ આપવો રહ્યો. 'બિટવીન ધ લાઇન્સ' જોતાં, સમજતાં, જાણતા આવડવુ જોઇએ એમ 'બિટવીન ધ લાઇફ' પણ જોતાં, સમજતા, જાણતા આવડવુ જોઇએ.

ફિલ્મી લોકોને એનો ચાર્જ ચૂકવો એટલે એ લોકો તો આવે ને ઠુમકા મારે એવી વાતો પણ નકારાત્મક રીતે સોશ્યલ મિડીયામાં ફરે છે.

તો શું લોકો પૈસા માટે જ જતાં હશે ! અને પૈસા માટે જતાં હોય તો પણ ખોટું શું છે એમાં ? એ લોકોનો એ વ્યવસાય છે, જેમ મૂકેશભાઇનો પણ કોઇ વ્યવસાય છે અને એ પણ એના ગ્રાહકો પાસેથી એ વસૂલ કરે છે એમ આ લોકોની ઇન્કમ આમાંથી તો જનરેટ થતી હોય. તો જાય જ ને પૈસા માટે. અને હા, લોકોને સંબંધો પણ હોય. આમાં અમૂક પૈસા માટે ગયાં હોય તો અમૂક સંબંધ માટે પણ ગયાં હોય. અને પૈસા માટે ગયાં હોય તો પણ કાંઇ ખોટું નથી. ફીલ્મી કલાકારોના ઠુમકા જોવાં માટે લોકો પૈસા ખર્ચીને ફીલ્મ જોવાં જાય જ છે ! તો એમાં જે કરે છે એને માણસો 'ડાન્સ' કહે છે ને અહીયાં એ જ વસ્તુને 'ઠુમકા' નામ આપી દે. જબરૂ હો !

ભારતીય પરંપરા મૂજબના લગ્નો એ વિશ્વમાં 'ઇંડિયન વેડિંગ' એવાં શબ્દથી ફેમસ છે. એનુ જબરૂ માર્કેટિંગ અને બ્રાંડિંગ થયું. બીજા દેશના લોકો લગ્નમાં પૈસા નથી વાપરતા તો એનો મતલબ એ નહી કે અહીયાં પણ ન વાપરવા. જેમ બીજા દેશોમાં લગ્નમાં ઓછો પણ બીજે પોતપોતાની પરંપરા મૂજબની જગ્યાએ પૈસા વાપરવાનો શિરસ્તો હોય એમ ભારતમાં લગ્ન અને બીજા પ્રસંગોમાં પૈસા વાપરવાનો શિરસ્તો છે. અહીં લોકો પૈસા ઉછીના લઇને પણ લગ્નમાં વાપરે છે. પૈસા ઉછીના લઇને પણ વાપરવા કે ગજા બહારના ખર્ચ પ્રસંગોમાં કરવાના એને સપોર્ટ ન જ હોય. પણ જેની પાસે પૈસા છે એ ભારતીય પરંપરા મૂજબ જ વાપરે છે તો એ એની પર્સનલ ચોઇસ છે. પૈસા છે ને વાપરે છે તો એમાં નવાઇ શું છે ? હું તો કહું છું કે સારૂં થયું છે. ૧૧૦૦ કરોડના ખર્ચમાં અઢળક લોકો કમાયા હશે. પૈસાનુ કેટલું ચક્કર ફર્યુ હશે. અલ્ટિમેટ્લી તો એ નાના લોકો પાસે પણ પહોચશે. હવે એમ ન કહેતાં કે આમાં કોઇ ગરીબો નથી કમાયા. ગરીબો માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે, ધર્મ માટે, અનાથો માટે, વૃધ્ધો માટે ઓલરેડી આ પરિવાર ઘણું કરે જ છે. તો હવે ઘરના છોકરાના લગ્નમાં ય એ જ થોડું કરવાનુ હોય ? એમાં જલસો કરવાનો હોય. સરેરાશ ભારતીય વ્યક્તિ એને જીવનભરમાં એની કુલ કમાણીનો પાંચમો ભાગ લગ્નમાં વાપરે છે એવું એક તારણ છે. તો મૂકાભાઇએ તો હજી એની કુલ આવકના ઓછા ટકા વાપર્યા છે. બીજાઓને ઘરે લગ્નમાં જમવાનુ થોડું ઓછું વ્યવસ્થિત હોય તો ટીકા કરતાં લોકો અંબાણીઓને સાદગીના અને દાન-ધર્મના પાઠ ભણાવે છે. 🤪 તમારાં છોકરાઓના લગ્ન થાય તો હનિમુનમાં ન જવાંય ને એ પૈસાની એસઆઇપી કરી નખાય એવી સલાહ આપો છે ? 

વિશ્વભરમાંથી આવેલ અઢળક સેલિબ્રિટીઓએ 'ઇંડિયન વેડિંગ' જોયું. જેટલાં સેલિબ્રિટીઝ અહીયાં ભેગા થયાં હતાં એ પણ એક રેકોર્ડ હશે. ઇંડિયન વેડિંગ એ પણ ભારતની ડાન્સ, મ્યુઝિક, ઇંડિયન સ્કલ્પચર્સ અને એના જેવી બીજી ઇંડિયન આર્ટની જેમ જ યુનિક છે. એને આવડાં મોટા સ્કેલ પર કરીને અંબાણીએ દેખાડો નથી કર્યો, ભારતીય આર્ટ, રિચ્યુઅલ્સ અને ટ્રેડિશન્સનો ઇનડાયરેક્ટલી પ્રચાર કર્યો છે. સામાન્ય માણસોના લગ્નમાં કોઇ ફોરેનથી આવે તો લગ્ન માણીને જતાં રહે, પણ અંબાણીને ત્યાં જે લોકો આવ્યાં હતાં એ એ લોકો હતાં જે બહાર જઇને ખાલી અંબાણીના નહી, ભારતીય પરંપરાના પણ વખાણ કરશે. અને એ લોકો જે બોલશે એ લાખો કરોડો લોકો સુધી પહોચશે. દરેક વખતે જ્યાં મૂડીવાદ હોય ત્યાં ખરાબ જ હોય એવું નથી. ફોરેનથી આવનાર દરેકે સંસ્કારી દિકરો, લગ્નમાં નૃત્ય કરનારી મા, લગ્ન પરંપરા એ કેવી ગ્રેટ અને ડીપ લોજીકલ પ્રોસેસ છે એ અને એનુ સોશિયલ ઇમ્પોર્ટન્સ શું છે એ પણ હજી લોકો જોશે. શા માટે ભારતનો સનાતન ધર્મ અને એની પરંપરા આટલાં આટલાં વિદેશી આક્રમણો અને ગુલામી પછી પણ એટલી જ મજબુતીથી ટકી રહી છે એ પણ બધાં મહેમાનો જોઇને ગયાં હશે ને ! ઓછામાં ઓછા એક હજાર વર્ષ વિદેશી શાસકોના કબજામાં રહ્યાં પછી ફક્ત ૭૫ વર્ષ જેવાં નજીવા સમયમાં એ દેશમાં અત્યારે ફરીથી ફિનીક્સ પક્ષીની જેમ બેઠો શા માટે થઇ જાય છે એની પાછળના મૂળ પણ લોકોને ખબર પડી હશે ને !

અને હા, લગ્ન જરાંય સાદગીથી નથી કર્યા હો. એટલે મૂકાભાઇએ સાદગીનો દેખાડો કર્યો એ વાત પણ ખોટી છે. આ તો પ્રિ વેડિંગ હતું. પ્રિ વેડિંગમાં નહી, વેડિંગમાં જ એક હજાર કરોડનુ આંધણ કર્યુ હોય એવો એકપણ પ્રસંગ કોઇનો મને યાદ નથી. એક હજાર કરોડ રૂપીયા પ્રિ વેડિંગમાં વાપરવા એને જો સાદગી કહેવાતી હોય તો સાદગી અને દેખાડો એ બન્નેની આખી વ્યાખ્યા જ ધરમૂળથી બદલવી પડે. હજી ઓરિજીનલ વેડિંગ તો બાકી છે. એમાં તો આના કરતાં વધારે ખર્ચ પણ હોઇ શકે ! 🤪 ક્યાં છે સાદગી ?

હા, એક વાત છે. મૂકેશભાઇએ લોભ કર્યો એમ કહી શકાય. હવે ભારતમાં જેની સૌથી વધારે વસ્તી છે એ મિડલ ક્લાસ ફેમિલીની કુલ 'એસેટ' બધું મળીને પચાસ લાખ (મકાન સહિત) સુધીની હોય એવું તારણ છે. અને એ જ મિડલ ક્લાસ ફેમિલીમાં જો લગ્ન હોય તો લગભગ પાંચ લાખ રૂ. નો ખર્ચ થતો હોય છે. મતલબ કે એની તમામ સંપતિના દસમાં ભાગનો ખર્ચ એક લગ્નપ્રસંગમાં કરે છે. તો મૂકેશભાઇએ તો એની તમામ 'એસેટ' માંથી ફક્ત ૦.૦૧% જેટલો ખર્ચ જ કર્યો છે. ટકાવારી પ્રમાણે મધ્યમવર્ગિય લગ્નપ્રસંગ કરતાં મૂકેશભાઇએ ઓછો ખર્ચો જ કર્યો છે ! 🤪🤪🤪 સાવ આમ ન ચાલે હો મૂકેશભાઇ !


લેખન :-

ચેતન જેઠવા