Monday, April 8, 2024

ભવિષ્યનું એજ્યુકેશન !

શિક્ષણ વિભાગનો કોઈ દિગ્ગજમાં દિગ્ગજ શિક્ષણશાસ્ત્રી પૂરા આત્મવિશ્વાસથી કહી શકે કે, જૂન ૨૦૨૪માં ધોરણ ૧માં દાખલ થનાર વિદ્યાર્થીને આગામી સમયમાં કયું શિક્ષણ મેળવવું જોઈએ ? જેથી તેને યુવાવસ્થામાં રોજગારી મળી રહે ! દુનિયા એટલી રફ્તારથી બદલાઈ રહી છે કે, તમારે તેની સાથે કદમ મિલાવવા દોડવું પડે. 


અત્યારે જે પેઢીની ઉંમર ૫૦ પ્લસ છે તે લગભગ લગભગ આઉટ ડેટેડ થઈ ગઈ છે. આજથી સો વર્ષ પહેલાં માં-બાપ પોતાનાં પુત્રને બે પસંદગી આપતા. કાં તો ભણ અને કાં તો ખેતરે આવ. જે બાળક ખેતરે જતો તે ખેતી શીખતો. એ “ખેતી” કરીને પોતાનું આખું જીવન પસાર કરતો. એટલે કે એક જ વ્યવસાયના આધારે જીવન જીવી જતો. તેને આજીવિકા બાબતે કોઈ સંઘર્ષ કરવો પડતો નહી. હવે એક જ વ્યવસાય પકડી રાખીને જીવવું ટફ છે. 


જે કંપની વર્કરોએ સમયની સાથે પોતાને અપડેટ ન કર્યા તેઓની છટણી થઈ ગઈ. માંડ એકાદ બે વર્ષ પહેલાં ટીવી પર કોડિંગ શીખવવાની એડ આવતી હતી. આજે ચેટ જીટીપીને ટેક્સ્ટ મેસેજથી આદેશ આપો એટલે કોડિંગ તૈયાર !!! કોડિંગ શીખવાનાર કંપનીનું ખરેખર બાળમરણ થઈ ગયું. સિંગાપુર નામનો નાનકડો દેશ આ વાત બહુ પહેલાં જાણી ગયો. ત્યાંની સરકારે ૪૦ વર્ષથી મોટી ઉંમરના લોકો માટે અપડેટેડ અભ્યાસક્રમો બનાવ્યા. આ અભ્યાસક્રમોમાં તેઓ ભણવા જાય છે. સરકારે ૨૦૨૪ના બજેટમાં તેમને સબસિડી આપવાની જાહેરાત પણ કરી દીધી. જો તેઓ અપડેટ નહી થાય તો સરકાર પર બોજો બને એમ છે. 


કરિયાણાની દુકાનો નામશેષ થવાની અણી પર છે, ડ્રાયવર લેસ કારનાં પ્રયોગો છેલ્લાં તબક્કામાં છે. AI રોબોટોએ ફેકટરીઓમાં ફરજ બજાવવાની શરૂ કરી દીધી છે. (ના કોઈ યુનિયન, ના કોઈ વીમા પોલિસી, ના કોઈ કામના કલાકો, ના કોઈ માંગણીઓ, ના કોઈ બહાનાબાજી !)  AI ડોકટરો તૈયાર થઈ રહ્યા છે. વર્ગખંડમાં પાંચ કલાક એક જ જગ્યાએ બેસીને ભણવું બોરિંગ થવા લાગ્યું છે. IKEA નામની વર્લ્ડ લાર્જેસ્ટ ફોલ્ડિંગ ફર્નિચર કંપનીએ ફોલ્ડિંગ ઘર બનાવ્યા છે. કડિયા, સુથાર, મજૂરો, આર્કિટેક બધાંની બાદબાકી ! 


SORA નામની એક વેબસાઈટ તમે જે પ્રમાણે નિર્દેશ આપો તે પ્રમાણેનો વિડીયો બનાવી આપે છે. એ પણ એટલો આબેહૂબ હોય છે કે જોનાર કહી ન શકે કે આ કોઈ AI જનરેટેડ વિડીયો છે. SORA એ ચેટ જીટીપીની જ પેટા કંપની છે. કવિઓ, લેખકો, આર્ટ ડિરેક્ટરો, સંગીતકારો થોડાંક સમયનાં મહેમાન છે. 


હવે કહો કે, એજ્યુકેશન કેવું હોવું જોઈએ ? લગભગ દસેક વર્ષ પહેલાં અમેરિકાએ ઈરાન પર માનવરહિત ડ્રોન વડે હુમલો કર્યો હતો. તે વખતે એ વાતની ખૂબ ચર્ચા થઈ કે, જો વિમાનો માનવરહિત થઈ જાય તો પાઈલોટને ઘરે બેસવાનો વારો આવે ! વાત સાચી છે. આનાથી તો બેરોજગારી વધે ! ત્યારે યુએસએના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ માનવરહિત પ્લેન ઉડાડવા માટે ત્રીસથી સો માણસનો સ્ટાફ જોઈએ !!! મતલબ ત્રણ પાઈલોટની નોકરી ખાઈને ત્રીસ માણસો માટે રોજગારી સર્જી ! તો પછી પાઈલોટની કોલેજને મારો ગોળી ને આપણે ત્રીસ માણસોની નોકરીવાળા અભ્યાસક્રમમાં જોડાઓ. 


પેટ્રોલ, ડીઝલ કાર રીપેર કરનાર ગેરેજવાળો લાંબુ નહી ખેંચે. તેણે ઈલેક્ટ્રિક વ્હીકલનું સમારકામ શીખવું પડશે .. હું તો કહું છું સાથેસાથે હાઈડ્રોજન વ્હીકલનું પણ વિચારવા માંડે. રેડિયો-ટીવી રિપેરીંગની જગ્યાએ સોલાર પેનલ રીપેરીંગ !!!



સાભાર :-

લેખક :- જે.કે.સાંઈ