Wednesday, April 17, 2024

લિન્ચપિન

લિન્ચપિન એટલે કુદરતે આપેલી શક્તિ, નવીન વિચારો, આવડત, પોતાની સમજણ અને સૂઝથી કામ કરવું. એમ કરવાથી તમારી એક અલગ ઓળખ ઊભી થાય છે. જે બીજામાં ન હોય. પરિણામે તમને રિપ્લેસ ન કરી શકાય.

સરળ ભાષામાં સમજીએ તો અત્યારે જેને આપણે આધુનિક યુગ કહીએ છીએ એમાં વાસ્તવમાં કશું નવીન નથી. નોકરી હોય તો સૂચનાઓ લેવાની અને એ મુજબ કામ કરવાનું, ધંધો હોય તો એ જ ધંધો બીજા કેવી રીતે કરે છે એ જોઈને એ જ રીતે એ જ ઢબે કરવાનું, કલા હોય તો બીજા કેવી રીતે એમાં કામ કરે છે એ જોવાનું અને એમ જ આપણે પણ કરવાનું… હા, આ રીતે નોકરી, ધંધા અને કલાના ક્ષેત્ર ચાલ્યા કરે છે.

પણ તમે કદી એ વિચાર્યું છે કે કુદરત દરેક માણસને કંઈક અલગ બનાવે છે. દરેકમાં કંઈક અલગ શક્તિ મૂકે છે. તો પછી કરોડો માણસો કેમ એક જ રીતે જીવે છે ? કોઈના જીવનમાં કેમ ખાસ કંઈ ફરક નથી? જાણે સવારે મશીન ચાલ્યા કરે અને સાંજે સ્વિચ બંધ થાય એમ આખી દુનિયા સવારથી દોડે છે ને સાંજે સ્વીચ બંધ કરી હોય એમ સુઈ જાય છે. કારણ શું? કુદરતે આપેલી અલગ અલગ શક્તિ, સમજ, વિચારો એ બધાનો શું ફાયદો? એનો દુર્વ્યય નથી થતો?

હા, કેમ કે આપણે ચોકઠાઓમાં જીવવા ટેવાઈ ગયા છીએ. જે જેમ ચાલે છે એમ જ ચાલવા દેવાનું. એમાં જીવન તો ક્યાંય ખોવાઈ ગયું છે. એક યાંત્રિક જીવન શૈલી પ્રવર્તે છે. એમાં દરેકને ભય છે કે કાલે મારી જગ્યા છીનવાઈ જશે. કેમ કે બધા એકજેવા છે. એક નોકરી કરતા માણસને ભય છે કે કાલે મારી નોકરી જશે કેમ કે, એના જેવા અનેક એમ્પ્લોઈ બેઠા છે. એક ધંધાદારીને ભય છે કે કાલે મારો ધંધો નહીં ચાલે કેમ કે, એના જેવા અનેક ધંધા છે. બલ્કે એમ કહો કે એણે એવો ધંધો ચાલુ કર્યો છે જે અનેક લોકો કરે છે, બીજા અનેક કરશે અને કોઈ પણ માણસ એ ધંધો કરી શકે છે. એક કલાકારને ભય છે કે કાલે મારું નામ નહીં રહે.કેમકે, એણે બીજા કલાકારોને જે કરતા જોયા છે એમ જ કર્યું છે અને બીજા અનેક માણસોએ ક્ષેત્રમાં આવશે.

બસ આ જ સમસ્યાના નિવારણ માટે લિન્ચપિન બનવું જરૂરી છે. લિન્ચપિન એટલે કુદરતે આપેલી શક્તિ, નવીન વિચારો, આવડત, પોતાની સમજણ અને સૂઝથી કામ કરવું. એમ કરવાથી તમારી એક અલગ ઓળખ ઊભી થાય છે. જે બીજામાં ન હોય. પરિણામે તમને રિપ્લેસ ન કરી શકાય.

કોઈ પણ નોકરી, ધંધા કે કલામાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા અને ભયમુક્ત થઈને જીવવા માટે શું જરૂરી છે તમારું લિન્ચપિન બનવું. જે બનવાની પણ જરૂર નથી. કેમ કે તમે પહેલેથી જ છો. કુદરતે તમને બનાવ્યા છે. બસ આ સિસ્ટમમાં તમે ક્યાંક ટોળાનો હિસ્સો બની ગયા છો એટલે એ ઓળખ દબાઈ ગઈ છે.


• વિકી ત્રિવેદી


સાભાર :-

Linchpin 

લેખક Seth Godin ની book