એમ થતું હતું કે આ લેખની શરૂઆત ગરમીના જોકથી કરું પણ ખરેખર તો ગરમી એવી વધી રહી છે કે હસી કાઢી શકાય એમ નથી. આ વર્ષે ગરમીથી ત્રાસીને કેટલાય એવા મધ્યમવર્ગી લોકોને (કે જેમને એસી અફોર્ડ કરવું અઘરું પડે એમ છે છતાં) એવું બોલતાં સાંભળ્યા કે,” હદ થઇ ગઈ...આવતા વર્ષે તો એસી લઇ જ લેવું છે.” ગામડાઓમાં હજુ પ્રમાણમાં થોડી રાહત છે, પણ શહેરોમાં જ એસી જ એવી એક ઢાલ છે જે સુરજ સામે ધરી શકાય એવી લાગે છે! હવે એસી લક્ઝરી નહિ પણ જરૂરીયાત બનતું જઈ રહ્યું છે. જો કે એસીની ઠંડકમાં પણ બેસીને ભવિષ્યની ગરમી વિશે વિચારીએ તો એમ થાય કે જેમ જેમ એસી વધતા જશે એમ એમ ખરેખર તો આપણી ઐસી કી તૈસી થઇ જશે...
આધુનિક થવાની રેસમાં આપણે એવા કેટલીય એવી સુવિધાઓ શોધી જે ખૂબ ગમે તો ખરી પણ આખરે એ આપણા સૌ માટે વિષચક્ર જ સાબિત થવાની. એવું એક વિષચક્ર છે આ એસી-એર કંડીશનર. નેશનલ હેરાલ્ડના રીપોર્ટસ પ્રમાણે ભારતમાં હજુ હાઉસહોલ્ડ એસીની વપરાશ 13% જ છે. જે ૨૦૪૦ સુધીમાં 69% સુધી પહોંચશે એવું અનુમાન છે. આ અનુમાન બિલકુલ વાજબી છે, તો આ એસી શરૂઆતમાં આશીર્વાદ લાગે છે, પણ જેમ જેમ આ આશીર્વાદના હાથ નીચે વધુ ને વધુ લોકો આવશે એમ એમ એ હાથ ભસ્માસુરનો હાથ બનતો જશે. કેમ કે એસી અંદરની તરફ ઠંડક આપે છે એ જ સમયે એ બહારની તરફ ગરમી ફેંકી રહ્યું હોય છે.
ઓકે. આ જાણી-સમજીને એસીને વિષચક્ર કહીને ક્રીટીસાઈઝ તો કરી લીધું, પણ આનો ઉપાય શું? વૃક્ષો વાવવા વગેરે વાતો તો આપણે દાયકાઓથી કરીએ છીએ, છતાં વૃક્ષો કપાય છે, ગરમી વધે છે. શું આ સમજણ પછી ય એવું થશે કે લોકો એસી ખરીદતા બંધ થઇ જશે? શું સરકાર એસી પર પ્રતિબંધ મુકશે? નહિ, આવું કશું નહિ થાય. જેમ જેમ લોકોને પોસાશે એમ એમ લોકો એસી ખરીદશે અને વાપરશે જ. ગામડાઓમાં એસી વાજતે ગાજતે પ્રવેશી જ ચુક્યું છે.
રોજ રોજ દુનિયા એટલી ઝડપથી બદલાઈ રહી છે. કઈ પ્રોડ્કટની ડિમાન્ડ બે વર્ષ પછી હશે કે નહીં એ કહી શકાતું નથી પણ આ સીનારીયો જોતાં એસીની ડીમાંડ આવનારા વર્ષોમાં વધવાની જ. શેર બજારમાં જેમને જુગાર નથી રમવો પણ લાંબગાળા માટે રોકાણ કરવું છે એમના માટે આ પોઇંટ્સ સૌથી મહત્વનો હોય છે કે હું જે કંપનીના શેરમાં રોકાણ કરી રહ્યો છું, એ કંપની આવનારા દસ વર્ષ હશે ખરી? અને હશે તો ગ્રોથ કરશે ખરી? એની પ્રોડક્ટની ડિમાન્ડ વધશે ખરી?
આ એંગલથી જોઈએ તો એસી, ફ્રિજ, વોશિંગ મશીન જેવા હેવી ઇલેક્ટ્રીક એપ્લાયન્સસિસની ડિમાન્ડ આવનારા વર્ષોમાં ખૂબ વધવાની છે. ઘર, ઓફીસ, કાર વગરેના એસી જ્યારે અંદર શીતળતા આપતા હોય છે ત્યારે એ જ એસી બહારની તરફ વરાળ ઓકતા હોય છે. બહાર ગરમી વધે એટલે એસીનો વપરાશ વધે. આમ એસી પોતે જ પોતાની ડીમાંડ પેદા કરનારું ચક્ર છે. ભારતની ગરમીમાં એસી વધુ કલાકો પણ ચાલે, એમ વધુ ને વધુ એસી રિપ્લેસ પણ થશે. જેમને આદત પડશે એમને આદત છૂટશે પણ નહીં. તો આમ જે પ્રોડક્ટ વાપરીએ છીએ કે ખૂબ વપરાવાની છે એના માલિક કેમ ના બનીએ? શેર બજાર આ માલિક બનવાની તક આપે છે. ભારતમાં દેશ વિદેશની ઘણી કંપનીઓના એસી વેંચાય છે-વપરાય છે. એમાં ભારતીય શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓ છે- બ્લૂ સ્ટાર, વોલ્ટાસ, લ્ય્યોડ (હેવલ્સ), અંબર, અને બીજી પણ અમુક છે.
બ્લૂ સ્ટાર કંપનીનો શેર છેલ્લા એક વર્ષમાં 120 % વધ્યો, એસી નહીં પણ એસીના પાર્ટસ બનાવતી કંપની અંબર એન્ટરપ્રાઇઝનો શેર છેલ્લા તેર મહિનામાં 92 % વધ્યો. વોલ્ટાસનો શેર છેલ્લા એક વર્ષમાં 66 % અને lyyod એસી બનાવતી હેવાલ્સ ઈન્ડિયાનો છેલ્લા એક વર્ષમાં 45% વધ્યો. આનો અર્થ એ થયો કે માનો કે એક વર્ષ પહેલા કોઈએ ગમે તે કંપનીનું 35000 હજારનું એસી લીધું. ત્યારે બીજા એટલા જ રૂપિયા બ્લૂ સ્ટાર કે અંબર જેવી કંપનીના શેરમાં રોક્યા હોત તો એ આજે 70000 આસપાસ થઈ ગયા હોત. તો એક જ વર્ષમાં એસી જેટલી રકમ એસી કંપનીમાં જ રોકાણ કરીને બની હોય. તો આ રીતે એસી એમને ફ્રી થઈ જાય એવું બને ને ?
કોઈ વળી એમ કહે કે એસી તો ફ્રી થઈ જાય પણ એના બિલનું શું? અરે માત્ર એસીનું જ બિલ નહીં, આખા ઘરનું બિલ ફ્રી થઈ જાય એવા ય રસ્તા છે. દાખલા તરીકે અમદાવાદમાં ટોરેન્ટ પાવરની વીજળી આવે છે. ટોરેન્ટ પાવરનો શેર છેલ્લા એક જ વર્ષમાં 160% વધ્યો. બાકી ઉપર કર્યો એ પ્રમાણે હિસાબ કરી લો. જો કે કોઈપણ શેરમાં ક્યાં ભાવે અને ક્યાં સમયે રોકાણ કરવું એ થોડી અભ્યાસ માંગી લેતો વિષય છે. આપણે દિવસમાં સેંકડો રિલ જોઈ નાખીએ છીએ તો આપણને ફાયદો થયા એવો થોડો અભ્યાસ ન કરી શકીએ?
જુગારીયાઓને લીધે શેરબજાર બહુ બદનામ છે. પણ જેમને સમજી-વિચારીને રોકાણ કરવું છે એમને શેર બજાર એ બધી પ્રોડક્ટના માલિક બનવાની તક આપે છે જે પ્રોડક્ટના એ પોતે ગ્રાહક છે.
કસુંબો:
વોરેન બફેટનું એક બહુ જાણીતું વિધાન છે કે શેરબજાર અધૂરિયા અને ઉતાવળીયાનાં નાણાં લઈ લે છે અને ધીરજવાનને આપે છે.
સાભાર:-
કાનજી મકવાણા
GSTV NEWS