Saturday, September 21, 2024

કરકસર એક કળા

ગાંધીજી પાસે ઠેર ઠેરથી પત્ર આવતા હતા. સવારના સમયે એ પત્રો

વાંચીને ગાંધીજી એના જવાબ લખતા હતા. એક વખત એમની સામે આવી ટપાલોનો ઢગલો થઈ ગયો. દરેક પત્રને ધ્યાનથી વાંચીને પછી કોઈ પત્રમાં કોરો ભાગ દેખાય તો ગાંધીજી એને કાતરથી કાપી લેતા. એ સમયે કોઈ સજ્જન એમને મળવા આવ્યા. ગાંધીજીએ એમની સાથે વાતો કરતાં કરતાં ટપાલ વાંચવાનું અને એમાં કોરો ભાગ જુએ એને કાતરથી કાપવાનું કામ ચાલુ રાખ્યું. પેલા સજ્જનને નવાઈ લાગી એટલે એમણે કોરો ભાગ કાપી લેવાનું કારણ પૂછ્યું.

ગાંધીજીએ જવાબમાં કહ્યું: “મારી પર આવેલા પત્રોના મારે જવાબ આપવાના હોય છે ત્યારે હું આ કાપલીઓનો જ ઉપયોગ કરું છું. હું આમ નહીં કરું તો એટલો કાગળ બેકાર જશે. એનાથી વળી બે પ્રકારનું નુકસાન થશે. એક તો બિનજરૂરી ખર્ચમાં વધારો થશે. બીજું, રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચશે. આપણો દેશ ગરીબ છે એ સંજોગમાં ચીજ-વસ્તુઓનો ઉપયોગ આપણે સમજી-વિચારીને કરવો જોઈએ.”

આમ ગાંધીજી જરૂરત મુજબ દરેક વસ્તુનો ઉપયોગ કરતા અને જરૂરી લાગે એવી બાકીની વસ્તુને ભવિષ્યના ઉપયોગ માટે સાચવીને મૂકી દેતા. આવી રીતે કરકસર કરવાનો આગ્રહ એ પોતાના સંપર્કમાં આવતા લોકો પાસે પણ રાખતા.



વર્તમાન સંદર્ભમાં ગાંધીજીનો આ અભિગમ ક્યાં બંધબેસી શકે?

બીજા પાસે જે વર્તનની અપેક્ષા રાખતા હોઈએ એ વર્તનના અમલની શરૂઆત પોતાનાથી કરવી જોઈએ. પાણી, વીજળી, પેટ્રોલિયમ, અનાજ જેવાં કુદરતી સંસાધનોના બેફામ ઉપયોગથી ગ્લોબલ વૉર્મિંગ જેવી કુદરતી આફતોને નોતરીને માનવજીવન આકરું બની ગયું છે ત્યારે એવાં સંસાધનોનો સમજદારીભર્યો ઉપયોગ કરવો એ વર્તમાન સમયની તાતી જરૂરત છે.


સાભાર:-

જસ્ટ, એક મિનિટ....(ચિત્રલેખા)

લેખન .... રાજુ અંધારિયા