કોણ છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે દુનિયાના લીડર્સ?
એઆઈને પ્રોમ્પ્ટ આપવાની માસ્ટરી મેળવવાથી નોકરી બચવાની શક્યતા ખરી કે નહીં?
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બાબતે પ્રાથમિક માહિતી હવે કોની પાસે નથી? સૌકોઈ જાણે છે કે દુનિયા ક્યાં હતી અને હવે ક્યાં પહોંચી રહી છે. ધસમસતા પ્રવાહની જેમ જેનો વિકાસ થઈ રહ્યો છે એવા દુનિયાને ધમરોળી નાખનારા આ વિષયના કેટલાક લીડર્સ કોણ છે, જેમનાં નામ જાણવાની વાચકોમાં વધી રહેલી ઉત્કંઠાને ધ્યાને લઈને અમેરિકાના ટાઈમ મૅગેઝિને હમણાં એને લગતી કવર સ્ટોરી પ્રગટ કરી છે.
લિસ્ટમાં સ્થાન પામનારી એક પણ વ્યક્તિને વિજ્ઞાની કહી શકાય એમ નથી. જો કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના માધ્યમથી દુનિયાનો ચહેરો બદલવા માટે એમણે ધોળા દિવસે સપનાં જરૂર જોયાં છે. યોગ્યતા ધરાવતા યુવાનોને એમણે જોઈતાં સાધનો-સગવડો, ઊંચાં મહેનતાણાં અને પ્રોત્સાહન આપ્યાં છે, એઆઈ આધારિત અનેક એપ્લિકેશન્સ અને ટૂલ્સ લૉન્ચ કર્યાં છે અને સૌથી મોટી વાત તો એ છે કે એઆઈ થકી લોકોનાં જીવનધોરણ સુધરે એમાં એમણે અંગત રસ લીધો છે. તો, આ છે યાદીમાં સ્થાન પામનારા કેટલાક મહારથી:
સુંદર પિચાઈ:
જન્મે ભારતીય અને ગૂગલના સીઈઓ છે. તમે જ્યારે ગૂગલમાં કશુંક સર્ચ કરશો તો ઉપરના ભાગે AT Overviews લખાઈને એની નીચે માહિતીનો એક અલગથી જ ભંડાર આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, ગૂગલ જેમિની મારફતે એઆઈને વધુ લોકભોગ્ય બનાવવાની સુંદર પિચાઈએ આગેવાની લીધી છે, કદાચ આ કારણે જ યાદીમાં સૌથી ઉપરનું સ્થાન એમને આપવામાં આવ્યું છે.
સત્યા નાડેલા
જન્મે ભારતીય અને માઈક્રોસૉફ્ટના સીઈઓ છે. આર્ટિફિશિયલ જનરલ ઈન્ટેલિજન્સ (AGI)માં એમણે તો દસકા પહેલાં કામ શરૂ કરી દીધેલું. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીમાં નિષ્ણાત હોવા છતાં પોતાના સ્ટાર્ટ-અપને આર્થિક રીતે ટકાવી રાખવામાં મુશ્કેલી પડતી હોય એવા યુવાનોને એ અનેક પ્રકારે મદદ કરી રહ્યા છે.
શાશા લ્યુસીઓની
Hugging Face નામની કંપની સાથે કાર્યરત આ મહિલા એઆઈનો વપરાશ વધવાથી પૃથ્વી પર કેટલો કાર્બન વધી રહ્યો છે એ બાબતે એઆઈ ડેવલપર્સ કંપનીઓનું ધ્યાન દોરીને વર્ષોથી એમના કાન આમળવાનું સત્કાર્ય કરી રહ્યાં છે. શાશાના કકળાટને કંપનીઓ મહત્ત્વ પણ આપે છે અને એઆઈથી લોકોને લાંબા ગાળે નુકસાન ન થાય એ પ્રમાણે જરૂરી કામગીરી પણ કરે છે.
સૅમ ઓલ્ટમૅન:
OpenAlના સ્થાપક અને સીઈઓ છે. સૅમ ઓલ્ટમૅન એઆઈનો ધંધો કરે છે એટલે સફળ છે એમ નથી, પણ પોતે એઆઈના એક્સપર્ટ છે એટલે સફળ રહ્યા છે. એઆઈ એટલે ચેટજીપીટી અને ચેટજીપીટી એટલે એઆઈ. આવું વાતાવરણ દુનિયાભરમાં એટલે ફેલાયું છે, કારણ કે આ વ્યક્તિ પોતાના કામમાં જિનિયસ છે, વૉઇસ આસિસ્ટન્ટ, સિન્થેટિક વિડિયો જનરેટર અને OpenAT આધારિત સર્ચ-એન્જિનની ક્રાંતિકારી પ્રોડક્ટ્સને ફાઈનલ ટચ આપવામાં છેલ્લા કેટલાક મહિનાઓથી એ વ્યસ્ત છે.
રોહિત પ્રસાદઃ
એમેઝોનમાં આર્ટિફિશિયલ જનરલ ઈન્ટેલિજન્સ (AGT) વિભાગના એ વડા છે. એમેઝોન એલેક્સાના સંશોધનથી જાણીતા થયેલા છે અને હવે જતે દહાડે પ્રાદેશિક ભાષાઓમાં એમેઝોનનું શોપિંગ પ્લૅટફૉર્મ ચલાવવા એઆઈને કઈ રીતે એમાં ઈન્ટિગ્રેટ કરવું એની પર કામ કરી રહ્યા છે.
ડેમિઝ હશબિઝઃ
ગુગલ ડીપમાઈન્ડના સીઈઓ છે. ઍક્ચ્યુઅલી ડીપમાઈન્ડ એક અલગ જ સ્ટાર્ટ-અપ હતું, પણ પાછળથી ગૂગલે એને ખરીદી લીધેલું. આર્ટિફિશિયલ જનરલ ઈન્ટેલિજન્સ (AGI)ના ઉપયોગથી ઘાતક રોગોની દવાઓનાં સંશોધન માટે અને DNA અને RNA જેવાં બાયોમોલેક્યુલ્સના સ્ટ્રક્ચરની પળવારમાં કુંડળી કાઢી દે એવાં એઆઈ ટુલ બનાવવામાં હશબિઝનો સિંહફાળો છે.
એઆઈની યશોગાથા સ્વીકાર્ય પણ એનાથી લોકો નોકરી ગુમાવી રહ્યા છે એનો શો ઉપાય?
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સ દ્વારા સસ્તું, સારું અને ઝડપી કામ મળતું હોવાથી ૨૦૨૪ના આ ચાલુ વર્ષમાં જ વિશ્વભરની ચારસો જેટલી ટેક કંપનીઓએ સવા લાખથી પણ વધુ કર્મચારીઓને છૂટા કરી દીધા છે. અગાઉના ૨૦૨૩ના વર્ષ દરમિયાન આ જ કારણે આશરે અઢી લાખ કમચારીઓને રજા આપી દેવામાં આવેલી. લોકોની નોકરી છૂટી રહી છે એવા કપરા સંજોગોની વચ્ચે દ્વિધામાં પડેલાઓને વર્ષ ૧૯૭૨માં આવેલી ફિલ્મ શોરમાં લતા મંગેશકર અને મુકેશના કંઠે ગવાયેલા એક યાદગાર ગીતની કેટલીક પંક્તિ યાદ કરવા જેવી ખરી. કહે છે કે કુછ પાકર ખોના હૈ કુછ ખોકર પાના હૈ. પરંતુ આગળની પંક્તિમાં ગીતકાર સંતોષ આનંદે સૂચક રીતે એવું પણ કહ્યું છે કે તૃધાર હૈ નદિયા કી... મૈં તેરા કિનારા હું તુમેરા સહારા હૈ મૈ તેરા સહારા હું. એઆઈને કારણે નોકરી ગુમાવી ચૂકેલાં મારાં તમારાં સ્વજનો માટે આ પંક્તિ સમજવી વિશેષ અગત્યની છે. કારણ એ છે કે પરફેક્ટ પ્રોમ્પ્ટ ન આપવામાં આવે ત્યાં સુધી એઆઈ બહુ સારું પરિણામ આપી શકતું નથી... અને તમારા વિષયને અનુરૂપ પ્રોમ્પ્ટ આપવામાં તમારાથી સારું કોઈ કામ કરી શકશે નહીં એ પાકું છે. તો પછી પ્રોમ્પ્ટ આપવાની કાબેલિયત કેળવીને એઆઈના ઘોડાના પોતે જ ઘોડેસવાર થઈ જનારની નોકરી કદાચ બચી પણ જાય. વિચારવા જેવું ખરું કે નહીં?
સાભાર
પુનીત આચાર્ય સોમપુરા
ચિત્રલેખા