ઓમકારેશ્વર જ્યોર્તિલિંગ
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદીના તટ પર આવેલ ઓમના આકારમાં બનેલા ટાપુ કહો કે પર્વત જેનું નામ માંધાતા પર્વત છે તેના પર ઓમકારેશ્વર મંદિર આવેલું છે. 12 જ્યોર્તિલિંગ માં ચોથા ક્રમે તેનો સમાવેશ થાય છે.
કહેવાય છે કે આ એકમાત્ર જ્યોતિર્લિંગ એવું છે... જ્યાં ભગવાન ભોલેનાથ ત્રણેય લોકના દર્શન કરે છે અને રાત્રે સૂવા માટે રોજ આ મંદિરમાં આવે છે.
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની આસપાસ કુલ 68 તીર્થસ્થાનો આવેલા છે અને અહીં 33 કરોડ દેવતાઓ સાથે ભગવાન શિવ બિરાજમાન છે. જેની પરિક્રમા પણ થાય છે.
આ એકમાત્ર મંદિર છે જે નર્મદા નદીની ઉત્તરે આવેલું છે. અહીં નદીના બંને કિનારે ભગવાન શિવ બિરાજમાન છે. મહાદેવની અહીં મમલેશ્વર અને અમલેશ્વરના રૂપમાં પૂજા થાય છે.
કહેવાય છે કે આ જ્યોતિર્લિંગ નર્મદા નદીના કિનારે આવેલ છે. અને નર્મદા નદીના તટમાં જે પણ પથ્થરો રહેલા છે તેને શિવલિંગ તરીકે પૂજી શકાય છે.
અહીં એવું પણ માનવામાં આવે છે કે આ મંદિરમાં મહાદેવ માતા પાર્વતી સાથે ચોપાટ રમે છે. આ જ કારણ છે કે અહીં રાત્રિના સમયે ચોપાટ પાથરવામાં આવે છે અને આશ્ચર્યની વાત એ છે કે મંદિરની અંદર જ્યાં પક્ષી પણ ન ફરકી શકે, એવી સ્થિતીમાં ત્યાં સવારે ચોપાટ એવી રીતે જોવા મળે છે કે જાણે કોઇએ તેને રમી હોય.