અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ એટલે કે આજે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. રામનો જન્મ ભલે અયોધ્યામાં થયો હોય, પરંતુ રામની કથામાં ઘણી એવી જગ્યાઓ છે જેનું ખૂબ મહત્ત્વ છે. ભાસ્કરની ટીમ ભારત, નેપાળ અને શ્રીલંકામાં આવાં 10 સ્થળોએ પહોંચી હતી. અહીં અમને માત્ર રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની નિશાનીઓ જ નહીં પરંતુ ઘણી એવી વાર્તાઓ, તળાવ અને મંદિરો મળ્યાં, જેના વિશે તમે કદાચ ક્યારેય સાંભળ્યું નહીં હોય.
અયોધ્યા... એ જગ્યા જ્યાં ભગવાન શ્રીરામનો જન્મ થયો, તેમનું બાળપણ વીત્યું. આ જ જગ્યાએથી તેમને 14 વર્ષના વનવાસ પર જવું પડ્યું. અંતે ગો-લોક જવાની પહેલાં આ નગરીની વચ્ચે વહેનારી સરયૂ નદીમાં તેમણે જળસમાધિ લીધી. હવે જોવા જઈએ તો અયોધ્યા જ રામનો આધાર છે. તેમની જીવનના બધા જ પડાવોની પેલા અને છેલ્લો છોડ છે અયોધ્યા.
ભગવાન રામનો જન્મની કહાનીઓ અયોધ્યાના અખાડા, મઠો અને શેરીઓમાં વસી છે. રામમંદિરના મુખ્ય પૂજારી મહારાજ સત્યેન્દ્ર દાસ જણાવે છે, મનુ અને શતરૂપાએ કઠિન તપસ્યા કરી હતી. આનાથી ખુશ થઈને ભગવાન પ્રગટ થયા. તેમની સામે બન્નેએ વરદાન માગ્યું:
दानि सिरोमनि कृपानिधि नाथ कहउं सतिभाउ। चाहउं तुम्हहि समान सुत प्रभु सन कवन दुराउ॥
આનો અર્થ થાય છે- હે દાતાઓના શિરોમણી, હે કૃપાનિધાન. હે નાથ... હું મારા મનના સાચા ભાવથી કહું છું કે હું તમારા સમાન જ પુત્ર ઇચ્છું છું. પ્રભુથી ભલુ શું છુપાવવાનું.
મનુની વાત સાંભળીને ભગવાન ખુશ થયા, તેમણે બન્નેને વરદાન આપ્યું કે-
देखि प्रीति सुनि बचन अमोले। एवमस्तु करुनानिधि बोले। आपु सरिस खोजौं कहं जाई। नृप तव तनय होब मैं आई॥
આનો અર્થ થાય છે- આવું જ થશે...હે રાજન્. હું પોતાના સમાન (બીજા) જ બીજે ક્યાં શોધવા જઉં. એટલે હું પોતે જ આવીને તમારો પુત્ર બનીશ. આ પછી સતયુગમાં મનુએ દશરથ અને શતરૂપાએ કૌશલ્યા રૂપમાં જન્મ લીધો. તેમને જે પુત્ર થયો તે ભગવાન સમાન જ હતા. નામ હતું- રામ.
સત્યેન્દ્ર દાસ કહે છે, 'રાજા દશરથને 3 રાણીઓથી તેમને ભગવાન રામ સહિત 4 પુત્રો થયા. ચારેય અયોધ્યામાં જ મોટા થયા. પછી જુવાનીમાં ભગવાન રામ શિક્ષા લેવા માટે મહર્ષિ વિશ્વામિત્રના આશ્રમ આવ્યા હતા.'
ભગવાન રામે જ્યાં તાડકા વધ કર્યો હતો, તે વિસ્તાર આજે બિહારના બક્સર જિલ્લામાં આવેલું માનવામાં આવે છે. બક્સરમાં અમારી મુલાકાત પંડિત વિદ્યાશંકર ચૌબે સાથે થઈ. શંકર ચૌબે કહે છે, 'ત્રેતા યુગમાં બક્સરનું નામ બામનાશ્રમ હતું. અહીં ઋષિ-મહર્ષિઓનો ગઢ હતો. જો કે, તપોભૂમિ હોવા છતાં પણ રાક્ષસોનું ઝૂંડ ઋષિઓને હેરાન કરી રહ્યું હતું. યજ્ઞ કુંડમાં હાડકા, માંસના ટુકડા ફેંકી દેતા હતા.
મહર્ષિ વિશ્વામિત્રએ મહારાજા દશરથને આપવીતી જણાવી અને રામ-લક્ષ્મણને પોતાની સાથે બક્સર લઈ ગયા. ભગવાન રામે સૌથી પહેલા તાડકા રાક્ષીસનો વધ કર્યો. તાડકાનો વધ કરવા માટે ભગવાન રામ પર બ્રાહ્મણી હત્યાનો દોષ લાગ્યો હતો. જેના પશ્ચાત્તાપ માટે રામે બક્સરના રામરેખા ઘાટ પર ગંગા સ્નાન કર્યું. પછી રામ અને લક્ષ્મણનું મુંડન કર્યું હતું. આ પછી તેમના પરથી બ્રાહ્મણી હત્યાનો દોષ હટ્યો હતો.
અહિલ્યા ઉદ્ધાર તાડકા વૈધ પછી ભગવાન રામે પાંચ ઋષિઓના આશ્રમની યાત્રા કરી હતી. કહાની એવી છે કે વિશ્વામિત્ર, રામ અને લક્ષ્મણને સીત સ્વયંવર જોવા જનકપુર લઈને જઈ રહ્યા હતા. રામ સૌથી પહેલા બિહારના દરભંગા જિલ્લાના અહિયારી ગામ પહોંચ્યા.
બિહાર રાજ્ય ધાર્મિક ન્યાય સમિત, દરભંગાના સચિવ હેમંત ઝા જણાવે છે, અહિયારી ગામ પહોંચવા પર રામે વિશ્વામિત્રને પૂછ્યું કે અહીંની જમીન પર પથ્થર કેમ છે? વિશ્વામિત્રએ રામને જણાવ્યું કે ઘણાં વર્ષોથી અહીં કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે. વિશ્વામિત્રએ કહેલી અહિલ્યાની કહાની સાંભળતા જ રામ સીધા અહિલ્યાના આશ્રમે પહોંચ્યા. તેમના ચરણ સ્પર્શથી જ અહિલ્યા ગૌતમ ઋષિએ આપેલા શ્રાપથી મુક્ત થઈ ગઈ.
મહિલા પંડિત કરે છે પૂજા અહિયારી ગામમાં અહિલ્યા માતાનું મંદિર આજે પણ છે. મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં માત્ર મહિલા પંડિત જ પૂજા કરે છે. મંદિરના પંડિત રેખાદેવી મિશ્રા કહે છે, 'પહેલાં મારાં સાસુ અહીં પંડિત હતાં. તેઓ 105 વર્ષનાં છે, તેથી હવે મારી પુત્રવધૂ અહીં પંડિત છે. તે પોતાના પતિ સાથે અયોધ્યા જવા રવાના થઈ ગઈ છે. તેથી જ હું આગામી કેટલાક મહિનાઓ માટે અહીં પંડિત છું. અહિલ્યા મા એક પરિણીત સ્ત્રી હતી. બધા પુરુષો તેમના પુત્રો જેવા હોય છે, તેથી તેઓ તેમના પર સિંદૂર અને બિંદી લગાવી શકતા નથી, તેથી ફક્ત સ્ત્રીઓ જ પૂજા કરાવે છે.
અહિયારી ગામમાં અહિલ્યા માતાનું મંદિર. આ મંદિરમાં માત્ર મહિલાઓ જ પૂજારી હોય છે. હાલમાં રેખાદેવી મિશ્રા અહીં પૂજા કરે છે.
મંદિરની પાછળ અહિલ્યા કુંડ છે. તે અંગે વાત કરતાં અહીંના લોકોએ જણાવ્યું હતું કે તેમાં કુલ 5 તળાવો બનાવ્યા છે. એવું માનવામાં આવે છે કે આમાં સ્નાન કરવાથી શરીરના રોગો દૂર થાય છે. લોકો માને છે કે તળાવનો રસ્તો સીધો પાતાળ લોક તરફ જાય છે.
અહિયારી ગામમાં અહિલ્યા કુંડ
દરભંગા મહારાજે અહિલ્યા મંદિરની સામે બીજું પહેલિયા માનું મંદિર બનાવ્યું હતું. જેમાં ભગવાન રામની સાથે સીતા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, હનુમાન અને ગૌતમ ઋષિ પણ હાજર છે. આ મંદિર લગભગ 500 વર્ષ જૂનું છે. જો કે આ મંદિરની હાલત અત્યારે બહુ સારી નથી.
અહિલ્યા મંદિરથી લગભગ 3 કિમી દૂર ગૌતમ ઋષિનો આશ્રમ અને ગૌતમ કુંડ છે. જે આજે સિદ્ધ પીઠ મહર્ષિ ગૌતમ આશ્રમ તરીકે ઓળખાય છે. આશ્રમની બહાર જ ગૌતમ કુંડ છે. અહીં સાલ મહોત્સવ દરમિયાન લોકોની ભીડ જામે છે.
પંચકોશી યાત્રા રામ સૌ પ્રથમ અહિલ્યા આશ્રમ ગયા, જ્યાં તેમણે પુઆ-પકવાન ખાધા હતા. આ પછી તેઓ નારદ ઋષિના આશ્રમ નદવા ગયા. અહીં રામે ખીચડી ખાધી. નદવાથી નીકળ્યા પછી, તેઓ ભભુઆર ગામમાં ભાર્ગવ ઋષિના આશ્રમમાં ગયા અને ત્યાં તેમણે ચૂડા-દહીં ખાધું. પછી અહીંથી તેઓ ઉનાવ ગામમાં ઉદ્દાલક ઋષિના આશ્રમમાં ગયા અને સત્તૂ-મૂળી ખાધાં. આ પછી અંતે ભગવાન રામે આનંદમયમાં વિશ્વામિત્ર સ્થાન પર લિટ્ટી-ચોખા ખાધાં હતાં.
પંચકોશી યાત્રા દર વર્ષે બક્સરમાં પાંચ કોસ (15 કિમી)માં ફેલાયેલા આ ગામોમાં કરવામાં આવે છે, જ્યાં ભગવાન રામે વિવિધ વાનગીઓ ખાધી હતી. 5 દિવસ દરમિયાન, ભક્તો એ જ ખાય છે જે ભગવાન રામે ખાધું હતું. અહીંથી રામ સીતા સ્વયંવર માટે નેપાળના જનકપુર ગયા.
નેપાળની રાજધાની કાઠમંડુથી 225 અને અયોધ્યાથી 518 કિલોમીટર દૂર જનકપુર આવેલું છે. આ શહેરની સૌથી પ્રખ્યાત જગ્યા છે જાનકી મંદિર. થોડુંક ચાલ્યા પછી આવે છે રંગભૂમિ. જાનકી મંદિર આવનારા લોકો રંગભૂમિ પણ જાય છે. એવું માનવામાં આવે છે કે આ જ જગ્યા પર ભગવાન રામે વિવાહની પહેલાં શિવજીનું પિનાક ધનુષ્ય તોડ્યું હતું. આ મોટું મેદાન છે, જેને ખાલી રખાયું છે.
એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર રામે લગ્ન પહેલાં શિવજીનું પિનાક ધનુષ્ય તોડ્યું હતું. આ એક મોટું મેદાન છે, જેને ખાલી રાખવામાં આવ્યું છે.
જનકપુર ધામના કાર્યકારી મહંત રામરોશન દાસ કહે છે, રંગભૂમિ 12 વીઘાના નામથી પણ ઓળખાય છે. રામાયણ મુજબ, આ વિશાળ મેદાનમાં જ તમામ રાજા-મહારાજ માતા સીતા પાસે વિવાહની ઇચ્છા લઈને આવ્યા હતા. મેદાનથી ત્રણ કિલોમીટર દૂર મણિમંડપમાં સ્વયંવર થયો હતો.
મણિમંડપ રંગભૂમિ પછી અમે મણિમંડપ પહોંચ્યા ચારેય તરફ હરિયાળીથી ઘેરાયેલા મણિમંડપની સામે એક તળાવ હતું. મંદિરમાં રામ અને સીતાની સુંદર મૂર્તિઓ છે. આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન રામ સહિત ચારેય ભાઈઓનાં લગ્ન થયાં હતાં. મંદિરમાં મહંતની ભૂમિકા ભજવી રહેલી રાજકુમારી દેવી કહે છે, 'રામાયણથી લઈને તમામ ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે આ રામ અને સીતાનાં લગ્નનું સ્થળ છે. અહીં ફેરા થયા હતા. મંદિરની સામે તળાવ છે જ્યાં પગ ફેરાની રસમ થઈ હતી.'
મણિમંડપ વિશે એવું માનવામાં આવે છે કે રામ સહિત ચારેય ભાઈઓનાં લગ્ન આ સ્થાન પર થયાં હતાં.
ધનુષા ધામ મણિમંડપ પછી અમે ધનુષા ધામ પહોંચ્યા. ધનુષા ધામ જનકપુરથી 20 કિમી દૂર છે. એવું માનવામાં આવે છે કે જ્યારે શિવનું ધનુષ્ય તૂટી ગયું ત્યારે તેનો એક ભાગ અહીં પડ્યો હતો. પિનાક ધનુષ્યના અવશેષો આજે પણ અહીં પથ્થરના રૂપમાં હાજર છે. ધનુષા ધામના મહંત ભરતદાસના જણાવ્યા અનુસાર, 'પિનાક ધનુષ્ય મહર્ષિ દધીચિના અસ્થિમાંથી બનાવવામાં આવ્યું હતું. શિવે આ ધનુષ્ય પરશુરામને આપ્યું હતું અને પરશુરામે રાજા જનકને આપ્યું હતું. રામે તેને સ્વયંવરમાં તોડી નાખ્યું. ધનુષ્યનો જમણો ભાગ આકાશમાં ગયો, જે રામેશ્વરમમાં ધનુષકોડી તરીકે પ્રખ્યાત છે. ડાબો પાતાળ લોકમાં ગયો અને વચ્ચેનો ટુકડો અહીં પડ્યો.'
મહંતનો દાવો છે કે પીપળનું ઝાડ જેની સાથે ધનુષ્ય જોડાયેલું છે તે પણ 550 વર્ષથી વધુ જૂનું હોવાનું કહેવાય છે. હવે આ ધનુષ્યની લંબાઈ પૂર્વ તરફ વધી રહી છે. લંબાઈ વધવાને કારણે અહીં મંદિર બનાવવાને બદલે માત્ર બ્લોક લગાવવામાં આવ્યા છે.
'અહીં એક તળાવ પણ છે, પાતાળગંગા. ધનુષ્ય પડ્યું ત્યારે તેના અવાજ સાથે જમીન ફાટી ગઈ. અમારા વિસ્તાર માટે આ સૂચક છે કે આ વખતે વરસાદ અને પાક કેવો રહેશે. તળાવનું સ્તર જેટલું ઊંચું હશે, તેટલો સારો પાક અને વરસાદ છે. તેનું પાણીનું સ્તર નીચે જવું અશુભ માનવામાં આવે છે.'
સીતા સ્વયંવર પછી, દશરથ રામને રાજા બનાવવા માંગતા હતા, પરંતુ કૈકેયીએ તેમના માટે 14 વર્ષનો વનવાસ માંગ્યો. વનવાસમાં ગયા પછી, રામ સૌથી પહેલા શૃંગાવરપુર ધામ એટલે કે આજના પ્રયાગરાજ પહોંચ્યા. રામ અહીં નિષાદરાજને મળ્યા. રામે અહીં આરામ કર્યો અને પછી કેવટે રામ, સીતા અને લક્ષ્મણને નદી પાર કરવામાં મદદ કરી.
નદી પાર કરીને રામ જ્યાં પહોંચ્યા ત્યાં ભારદ્વાજ મુનિ તેમના આશ્રમમાં યજ્ઞ કરી રહ્યા હતા. ભગવાન રામ મહર્ષિ ભારદ્વાજની મુલાકાત લેવા અને તેમના આશીર્વાદ લેવા માંગતા હતા. ભારદ્વાજ આશ્રમના પૂજારી કલાનિધિ ગોસ્વામી કહે છે, 'મહર્ષિ ભારદ્વાજે રામને રોકાવા કહ્યું હતું, પરંતુ રામે કહ્યું હતું કે આ જગ્યા અયોધ્યાથી ખૂબ નજીક છે. અમે અહીં રહીશું તો લોકો અમને મળવા આવતા રહેશે. આ પછી જ ભારદ્વાજે તેમને ચિત્રકૂટ જવાની સલાહ આપી.'
રાવણનો વધ કરીને રામ અહીં પરત ફર્યા કલાનિધિ ગોસ્વામી કહે છે, 'જ્યારે રામ રાવણનો વધ કરીને અયોધ્યા પરત ફરી રહ્યા હતા, ત્યારે તેઓ ફરી એકવાર મહર્ષિ ભારદ્વાજના આશ્રમમાં આવ્યા હતા. ભારદ્વાજ મુનિએ રામને કહ્યું હતું કે રાવણ બ્રાહ્મણ છે અને તેમના પર બ્રાહ્મણની હત્યાના પાપનો આરોપ છે. તેઓએ પહેલા સંગમની ત્રિવેણીમાં જઈને સ્નાન કરવું જોઈએ અને પછી જ આશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ. રામ સ્નાન કરીને અંદર આવ્યા.
આશ્રમની આસપાસ લગભગ 80 મંદિરો છે. તેમાં બે ટનલ જેવી ગુફાઓ પણ છે. આમાં ભારદ્વાજ મુનિના ગુરુ યાજ્ઞવલ્ક્ય મુનિનો આશ્રમ છે. આ ગુફામાં યાજ્ઞવલ્ક્ય મુનિની નાની પ્રતિમા પણ છે. અહીં આવવા-જવાના અલગ-અલગ રસ્તા છે. બીજી ગુફાના ઉપરના ભાગમાં રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિઓ છે. પૂજારી કહે છે કે સીતાજીએ અહીં સોના અને ચાંદીનું દાન કર્યું હતું.'
રામ વનવાસ માટે પહેલા ચિત્રકૂટ આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે રામે અહીં 12 વર્ષનો વનવાસ વિતાવ્યો હતો. જ્યારે રામ અહીં આવ્યા ત્યારે સૌથી પહેલા તેઓ ઋષિ વાલ્મીકિને મળ્યા અને પૂછ્યું કે તેમારે ક્યાં રહેવું જોઈએ. વાલ્મીકિએ જવાબ આપ્યો, "चित्रकूट गिरी करहु निवासु, जहा तुम्हार सब भात सुपासू". આ ચોપાઈ ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિતમાનસમાં લખી છે.
ભરત રામને મનાવવા માટે ચિત્રકૂટ પહોંચ્યા હતા. તેઓ જ્યાં મળ્યા તે સ્થળ ભરત મિલાપ મંદિર તરીકે ઓળખાય છે. તે ચિત્રકૂટના કામદગિરી પરિક્રમા માર્ગથી પહોંચી શકાય છે. પરિક્રમાનો રૂટ 5 કિલોમીટર લાંબો છે. ખોહી ગામની પહેલાં ભરત મિલાપ મંદિર આવેલું છે.
આ મંદિરના પૂજારી શિવવરણ સિંહે કહ્યું, 'રામ 11 વર્ષ, 6 મહિના, 27 દિવસ સુધી ચિત્રકૂટમાં રહ્યા. સભા દરમિયાન ભરત અહીં પડ્યા ત્યારે રામે તેમને ઉપાડ્યા. આ સમય દરમિયાન, તેમના પગ, ધનુષ્ય અને ઘૂંટણના નિશાન આ ખડકોમાં બની ગયા હતા. આ નિશાનો આજે પણ હાજર છે.'
ભરત મંદિરના મહંત દિવ્ય જીવનદાસ મહારાજ કહે છે, 'તેમના વનવાસ દરમિયાન રામ અહીં આવ્યા હતા અને મંદાકિની નદીને પ્રણામ કરીને સ્નાન કર્યું હતું. મહર્ષિ અત્રિ મુનિના આશ્રમમાં ગયા, જ્યાં તેમની પત્ની સતી અનુસૂયાએ માતા સીતાને વસ્ત્રો આપ્યાં હતાં.'
રામ, લક્ષ્મણ અને સીતા તેમના વનવાસ દરમિયાન પંચવટી આવ્યાં હતાં, જે આજના નાસિકમાં છે. પંચવટી ગોદાવરી નદીના કિનારે 5 કિમી સુધી વિસ્તરેલું છે. તેને તપોવન પણ કહેવાય છે. પંચવટી એટલે પાંચ વટવૃક્ષ. સીતા ગુફાથી પંચવટીની શરૂઆત થાય છે. સીતા અગ્નિકુંડ અંતિમ પડાવ છે.
સીતા ગુફા એવું માનવામાં આવે છે કે આ ગુફા રામની વિનંતી પર લક્ષ્મણે સીતા માટે બનાવી હતી. જ્યારે લક્ષ્મણે શૂર્પણખાનું નાક કાપી નાખ્યું ત્યારે તેના બે ભાઈઓ ખર અને દુષણ અને 10 હજાર રાક્ષસો રામ અને લક્ષ્મણ સામે લડવા આવ્યા. ત્યારબાદ સીતાને સુરક્ષિત રાખવા માટે આ ગુફા બનાવવામાં આવી હતી. ગુફામાં પ્રવેશવાનો રસ્તો ખૂબ જ સાંકડો છે. ગુફાની ઊંચાઈ 2.5થી 3 ફૂટ છે. ગુફામાં બે રૂમ છે. પહેલા રૂમમાં રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ છે. બીજા રૂમમાં શિવલિંગ છે.
અહીંના પૂજારી મનોજ મહાજન કહે છે, 'રામ, સીતા અને લક્ષ્મણે તપોવનમાં ઘણો સમય વિતાવ્યો હતો. દંડકારણ્યનું જંગલ ખૂબ ગાઢ હતું, તેથી ગુફાને ઓળખવા માટે, રામે પાંચ વડનાં વૃક્ષો વાવ્યાં હતાં, જેથી તેઓ ક્યારેય ગુફા તરફ જવાનો રસ્તો ભટકી ન જાય. તેથી જ તેને પંચવટી કહેવામાં આવે છે.
સીતા ગુફામાં પ્રવેશવાનો રસ્તો ખૂબ જ સાંકડો છે. ગુફાની ઊંચાઈ 2.5થી 3 ફૂટ છે. અંદર બે રૂમ છે. પહેલા રૂમમાં રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ છે. બીજા રૂમમાં શિવલિંગ છે.
પર્ણકુટી પર્ણકુટી તે જ જગ્યા છે, જ્યાં સીતાનું હરણ થયું હતું. અહીં પહોંચવાનો રસ્તો આજે પણ ગાઢ જંગલથી ઘેરાયેલો છે. પંડિત રોહિત રાજહંસ અને તેમના પિતા ઘણાં વર્ષોથી પર્ણકુટીની સેવા કરે છે. રોહિત કહે છે, 'સીતા પર્ણકુટીમાં રહેતાં હતાં. રાવણ સંન્યાસી બનીને ભિક્ષા માગવા આવ્યો હતો. આ જ જગ્યાએથી સીતાનું હરણ કરીને લંકા લઈ ગયો હતો. પર્ણકુટીની સામે ગોદાવરી નદીનો પાતળો પ્રવાહ વહી રહ્યો છે. ત્યાં લક્ષ્મણરેખા પણ છે. ત્રેતાયુગમાં અગ્નિરેખા અહીં હતી.'
ગોદાવરી નદી પર્ણકુટી પાસે વહે છે.
લક્ષ્મણ શેષનાગ અવતાર લક્ષ્મણ મંદિર પર્ણકુટીથી થોડે દૂર છે. ભારતમાં લક્ષ્મણનું આ એકમાત્ર મંદિર છે જ્યાં તેમના શેષનાગ અવતારની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર લક્ષ્મણે શૂર્પણખાનું નાક અને કાન કાપી નાખ્યાં હતાં. આ સ્થળ ગોદાવરી સંગમ પાસે છે. લક્ષ્મણે તેનું નાક કાપીને આ ગોદાવરી નદીમાં ફેંકી દીધું હતું. જેના કારણે નદીની બીજી બાજુએ બનેલું શહેર આજે 'નાસિક' કહેવાય છે.
રામતીર્થ માન્યતા છે કે આ તે જગ્યા છે, જ્યાં રામના કહેવા પર સીતા અગ્નિમાં વિલીન થઈ ગયાં હતાં. અહીં તેમનું માયા સ્વરૂપ પણ પ્રકટ થયું હતું અને વાસ્તવમાં રાવણે માયા સ્વરૂપનું જ હરણ કર્યું હતું. અહીંના પૂજારી વિનાયક દાસ કહે છે, 'અહીં ભગવાન રામ અને માતા સીતા સ્નાન કરવાં આવતાં હતાં. આ જ જગ્યા પર કપિલા નદી અને ગોદાવરી નદીનો સંગમ છે. રામચંદ્ર વનવાસે આવ્યા, ત્યારે તેમણે માતા સીતાને આદેશ આપ્યો હતો કે રાક્ષસોનો નાશ થાય ત્યાં સુધી તમારું મૂળ સ્વરૂપ અગ્નિમાં છુપાવી રાખો. બ્રહ્મા, વિષ્ણુ અને શિવને સાક્ષી રાખી માતા સીતા અગ્નિમાં અદૃશ્ય થઈ ગયાં. રામે માતા સીતાનું માયાવી સ્વરૂપ બનાવ્યું. અગ્નિ દેવતાએ માતા સીતાના મૂળ સ્વરૂપને પાર્વતી મા પાસે રાખ્યું. માયાવી સ્વરૂપનું નામ વેદવતી હતું. વેદવતીને પંચવટીમાં પર્ણકુટીમાં રાખવામાં આવ્યાં હતાં. રાવણે આ જ માયાવી સીતાનું હરણ કર્યું હતું.'
જ્યારે રાવણે સીતાહરણ કર્યું ત્યારે રામ બે મહિનાની યાત્રા પૂર્ણ કરીને કર્ણાટકના રામદુર્ગ પહોંચ્યા. રામ બેલગામથી લગભગ 90 કિમી અને રામદુર્ગથી 20 કિમી દૂર જંગલોમાં સીતાને શોધી રહ્યાં હતાં, આ દરમિયાન તેમની મુલાકાત શબરી સાથે થઈ.
આજે આ સ્થળ ‘શબરી કોલા’ અથવા ‘શબરી આશ્રમ’ તરીકે ઓળખાય છે. અહીં મા શબરીનું મંદિર પણ છે. નિવૃત્ત શાળાના શિક્ષક યતનૂર મંદિરની સેવા કરનારાઓમાં સામેલ છે. કન્નડમાં લખાયેલ Kumudendu Ramayanaને ટાંકતા તેઓ કહે છે, 'ભીલ સમુદાયમાંથી આવેલાં શબરીનું સાચું નામ 'શ્રમણા' હતું. તે હાલનાં છત્તીસગઢનાં રહેવાસી હતાં. શબરીનાં લગ્ન પહેલાં તેમનાં પિતાએ 200 પશુઓની બલિ ચઢાવી હતી. આ વાતથી શબરીને ગુસ્સો આવ્યો અને લગ્નના એક દિવસ પહેલાં જ તેમણે ઘર છોડી દીધું અને કર્ણાટકના દંડકારણ્ય જંગલમાં રહેવાં લાગ્યાં.
યતનૂરના જણાવ્યા મુજબ, 'શબરી માતંગ ઋષિની સેવા કરવા માગતાં હતાં, પરંતુ તે શક્ય ન હતું કારણ કે તે ભીલ જાતિનાં હતાં. તે ઋષિઓ પાસે જઈ શકતાં ન હતાં, પરંતુ તે વહેલી સવારે ઊઠીને આશ્રમ અને નદી તરફ જતો રસ્તો સાફ કરતાં. તે રસ્તામાંથી કાંટા ઉપાડતા અને ફૂલો પાથરી દેતાં. એક દિવસ ઋષિ માતંગે તેમને આમ કરતાં જોયાં. તે ખૂબ જ ખુશ હતા અને જ્યારે તેમની છેલ્લી ક્ષણો આવી ત્યારે તેમણે શબરીને બોલાવી અને તેમના આશ્રમમાં રામની રાહ જોવા કહ્યું. તે ચોક્કસપણે મળવા આવશે. શબરીએ 85 વર્ષની ઉંમર સુધી રામની રાહ જોઈ.
યતનૂર કન્નડ રામાયણમાંથી બીજી વાર્તા કહે છે. જે મુજબ, 'જ્યારે રામ મળ્યા, ત્યારે શબરીએ તેમને ખાવા માટે બોર આપ્યાં. તે આપતાં પહેલાં દરેક બોર ચાખતી હતી, જેથી રામ અને લક્ષ્મણને માત્ર મીઠા બોર મળે. લક્ષ્મણે શબરીનાં બોર ન ખાધાં. રાવણ સાથેના યુદ્ધ દરમિયાન જ્યારે તે મેઘનાદના બાણનો શિકાર થયા ત્યારે આ જ બોરમાંથી બનેલી સંજીવની જડીબુટ્ટી તેમના માટે ઉપયોગી બની હતી.
શબરીની ભક્તિથી પ્રસન્ન થઈને, રામે તેમને 9 નવધ ભક્તિ ઉપદેશ આપ્યા. આશીર્વાદ પછી, શબરીએ તેમનાં ચરણોમાં જ પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા. શબરી જ્યોત સ્વરૂપે સ્વર્ગમાં ગઈ.
આશ્રમમાં હજારો વર્ષ જૂનું બોરનું ઝાડ શબરી આશ્રમમાં અમે મંદિરના પૂજારી સુવર્ણા પાટીલને મળ્યા. તેમણે કહ્યું કે આજે પણ આ જગ્યાએ સેંકડો વર્ષ જૂનું બોરનું ઝાડ છે. જો કે, લીલુંછમ હોવા છતાં ફળ આપતું નથી. તે છેલ્લાં 40 વર્ષથી દિવસમાં બે વખત શબરી માની મહાઆરતી કરે છે. તેમના પતિ મંદિરના ટ્રસ્ટી છે.
શબરી આશ્રમમાં સેંકડો વર્ષ જૂનું બોરનું ઝાડ છે.
મંદિરના ગર્ભગૃહમાં શબરીનું રૌદ્ર સ્વરૂપ પણ છે મંદિરની બહારના ભાગમાં જ્યોતિ સ્તંભ પણ છે. અહીં લોકો તલનું તેલ ચઢાવે છે. આ તેલનો ઉપયોગ માની અખંડ જ્યોતને પ્રજ્વલિત રાખવા માટે કરવામાં આવે છે. અહીં શબરીને પાર્વતીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં રૌદ્ર રૂપમાં દેવી શબરીની મૂર્તિ પણ છે. આમાં તેમના એક હાથમાં ત્રિશૂળ, એકમાં તલવાર, બીજામાં ડમરુ છે. તેમના એક પગ નીચે રાક્ષસનું માથું છે.
બેંગલુરુથી 342 કિમી અને હોસ્પેથથી 20 કિમી દૂર હમ્પી અગાઉ કિષ્કિંધા શહેર તરીકે ઓળખાતું હતું. આ એ જ જગ્યા છે જ્યાં રામ અને સુગ્રીવ મળ્યા હતા અને બાદમાં રામે બાલીનો વધ કર્યો હતો. રામનાં નિશાન શોધતા અમે કર્ણાટકના રામદુર્ગથી હમ્પી પહોંચ્યા. શબરીને મળ્યા પછી રામ અને લક્ષ્મણ અહીં આવ્યા. અહીં અમે હમ્પીના ગાઇડ મંજુનાથ ગૌડાને મળ્યા. મંજુનાથ કર્ણાટક ગાઈડ એસોસિયેશનના પ્રમુખ પણ છે.
મંજુનાથના જણાવ્યા અનુસાર, 'વાલ્મીકિ રામાયણમાં કહેવામાં આવ્યું છે કે કિષ્કિંધા પર વાનર જાતિનું શાસન હતું. જ્યારે રામ અહીં પહોંચ્યા ત્યારે બાલી રાજા હતો. તેણે પોતાના ભાઈ સુગ્રીવને ગાદી પરથી હટાવી રાજ્યમાંથી હાંકી કાઢ્યો. સુગ્રીવ તેના મિત્ર હનુમાન સાથે માતંગ ટેકરી પર છુપાયેલો હતો. જ્યારે રામ અને લક્ષ્મણ આવ્યા, ત્યારે સુગ્રીવે વિચાર્યું કે બાલીએ તેમને મારવા મોકલ્યા છે. જો કે, હનુમાને તેમને ઓળખી લીધા. હનુમાન બંનેને પોતાના ખભા પર ઉઠાવીને સુગ્રીવને મળવા લાવ્યા. જ્યારે સુગ્રીવે સીતાને શોધવાનું વચન આપ્યું, ત્યારે રામે તેને રાજ્ય પાછું અપાવવાનું વચન આપ્યું.
આ વિસ્તારમાં હજુ પણ એક ગુફા છે, જેને લોકો સુગ્રીવ ગુફા કહે છે. સુગ્રીવની ગુફા વિઠ્ઠલ મંદિરના માર્ગ પર તુંગભદ્રા નદીના કિનારે છે. ગુફાની બહાર, ઘણા મીટર લાંબા ખડકો પર એક અદ્ભુત જાડી રેખા છે. એવું માનવામાં આવે છે કે આ રેખા સીતા દ્વારા નીચે ફેંકવામાં આવેલા વસ્ત્રની નિશાની છે. અહીં જ રામ અને સુગ્રીવે બાલીનો વધ કરીને માતા સીતાને શોધવાની યોજના બનાવી હતી. આજે પણ ગુફામાં એક પથ્થર છે, જેના પર રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાન કોતરેલાં છે.
જ્યારે રામે બાલીનો વધ કર્યો ત્યારે સુગ્રીવનો રાજ્યાભિષેક તુંગભદ્રા નદી પર થયો હતો. બાદમાં આ જગ્યા પર કોદંદરમ મંદિર બનાવવામાં આવ્યું હતું. આ દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં રામ અને સીતાની સાથે હનુમાનની નથી, પરંતુ સુગ્રીવની હાથ જોડેલી પ્રતિમા છે.. હમ્પીમાં અંજનેયા હિલ એ છે જ્યાં હનુમાનનો જન્મ થયો હતો. અહીં ઋષિમુખ પર્વત છે, જ્યાં હનુમાન રામ અને લક્ષ્મણને પહેલી વાર મળ્યા હતા.
કિષ્કિંધા એટલે કે હમ્પી પછી અમે ભારતના છેલ્લા છેડા રામેશ્વરમ પહોંચ્યા. હમ્પીથી રામેશ્વરમનું અંતર 953.4 કિલોમીટર છે. અહીં અમે વૈરાગી મઠના મહામંડલેશ્વર સીતારામ દાસને મળ્યા.
રામેશ્વરમમાં છેલ્લાં 40 વર્ષથી રહેતા સીતારામ દાસ કહે છે, 'લંકા પર વિજય મેળવવા માટે ભગવાન રામે આ સ્થાન પર દરિયાની રેતીમાંથી શિવલિંગ બનાવીને ભોલેનાથની પૂજા કરી હતી. તેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અહીં પ્રકાશના રૂપમાં પ્રગટ થયા અને રામને વિજય માટે આશીર્વાદ આપ્યા. તેમણે આ જગ્યાનું નામ ‘શ્રી રામેશ્વરમ’ રાખ્યું. આ પછી, પ્રભુ રામની વિનંતી પર તેમની અહીં જ્યોતિર્લિંગના રૂપમાં સ્થાપના કરવામાં આવી.
સીતારામ દાસ આગળ કહે છે, 'ગંધમાદન પર્વત રામેશ્વરમ શહેરથી લગભગ દોઢ માઈલ ઉત્તર-પૂર્વમાં છે. હનુમાનજીએ આ પર્વત પરથી સમુદ્ર પાર કરવા માટે છલાંગ લગાવી હતી. બાદમાં રામે લંકા પર ચઢાઈ કરવા માટે અહીં એક વિશાળ સેના તૈયાર કરી. આ પર્વત પર એક સુંદર મંદિર છે, જ્યાં શ્રી રામના પગનાં નિશાનની પૂજા કરવામાં આવે છે. તેને પાદુકા મંદિર કહેવામાં આવે છે.
ધનુષકોડી અને રામસેતુ રામેશ્વરમ પછી અમે ધનુષકોડી તરફ આગળ વધ્યા. અહીં અમે પંડિત ચંદ્રશેખર શર્માને મળ્યા. ચંદ્રશેખરના પિતા, તમિલ ધાર્મિક સાહિત્યના વિદ્વાન, રામેશ્વરમ મંદિરના મુખ્ય પૂજારી હતા. ચંદ્રશેખરે જણાવ્યું કે અહીંથી લગભગ 22 કિલોમીટર દૂર ભારતના છેલ્લા રસ્તાના છેડે ધનુષકોડી એક સુંદર શંખ આકારનો ટાપુ છે જે હિંદ મહાસાગર અને બંગાળની ખાડીથી ઘેરાયેલો છે.
કહેવાય છે કે લંકા પર હુમલો કરતા પહેલાં ભગવાન રામે અહીંથી એક પથ્થરનો પુલ બનાવ્યો હતો, જેના પર ચડીને વાનર સેના લંકા પહોંચી હતી. બાદમાં વિભીષણની વિનંતી પર રામે આ રામસેતુ તોડી નાખ્યો. 18 કિલોમીટર લાંબા પુલના અવશેષો હજુ પણ દરિયામાં જોવા મળે છે.
ધનુષકોડી ચક્રવાતમાં બરબાદ થઈ ગયો 1964ના ચક્રવાત પહેલાં, ધનુષકોડી એક ઊભરતું પ્રવાસન અને તીર્થ સ્થળ હતું. અહીંથી સિલોન (હવે શ્રીલંકા)નું અંતર માત્ર 18 માઈલ છે. તેમાંથી હવે 3 માઈલ ભારતમાં છે અને 15 માઈલ શ્રીલંકામાં છે. 1964 પહેલાં, શ્રીલંકાના ધનુષકોડી અને થલાઈમન્નાર વચ્ચે ઘણી સાપ્તાહિક ફેરી સેવાઓ મુસાફરો અને માલસામાનનું વહન કરતી હતી.
તે દરમિયાન અહીં એક રેલવે સ્ટેશન પણ હતું, જે 1964ના ચક્રવાતમાં નાશ પામ્યું હતું. તે દિવસોમાં અહીં એક હોટેલ, કપડાંની દુકાનો અને ધર્મશાળાઓ, એક નાની રેલવે હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ અને મત્સ્ય વિભાગની ઓફિસ પણ હતી. આ બધું પણ ચક્રવાતમાં નાશ પામ્યું હતું. રામેશ્વરમ આવતા મોટાભાગના પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા માટે ચોક્કસ આવે છે.
જ્યારે હનુમાનને લંકામાં સીતા મળ્યાં, ત્યારે તેઓ રામને જાણ કરવા રામેશ્વરમ પાછા ફર્યા. લંકા બાળતા પહેલાં સીતાએ તેમને પોતાનો ચૂડામણિ આપ્યો હતો. રામ તે પરથી ઓળખી શક્યા કે હનુમાન જે વ્યક્તિને મળ્યા તે સીતા હતાં. રામસેતુ દ્વારા સમુદ્ર પાર કર્યા પછી, રામની સેનાએ સુબેલ પર્વત પર પડાવ નાખ્યો હતો. વિભીષણ અહીં રામને મળવા આવ્યા હતા.
માન્યતા અનુસાર, શ્રીલંકામાં હાજર દુનુવિલા તે સ્થાન છે જ્યાંથી રામે રાવણ પર બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. શ્રીલંકામાં જ્યાં રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું હતું તે સ્થળ યુદ્ધગણવ તરીકે ઓળખાય છે. રામાયણની કથા અનુસાર, યુદ્ધ પછી રાવણના બ્રાહ્મણ વિધિ પ્રમાણે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.
આજે પણ રાવણનું શરીર ગુફાઓમાં હોવાનું માનવામાં આવે છે શ્રીલંકામાં અન્ય એક પ્રચલિત વાર્તા એ છે કે નાગા જાતિના લોકોએ રાવણના શરીરને કેટલીક જડીબુટ્ટીઓની પેસ્ટ લગાવીને સુરક્ષિત કર્યું હતું. રાવણના શરીરને કેટલીક ઊંડી ગુફાઓમાં સંતાડીને રાખવામાં આવ્યું હતું. તેમનું માનવું હતું કે જો સંજીવની ઔષધિની મદદથી લક્ષ્મણને જીવિત કરી શકાય છે, તો રાવણને પણ એ જ ઔષધિઓથી જીવિત કરી શકાય છે.
એવો દાવો કરવામાં આવે છે કે રાવણના નશ્વર અવશેષો હજુ પણ આ ગુફાઓમાં મમીના રૂપમાં સચવાયેલા છે.
રગ્ગાલા ગુફાઓમાં રાવણનો ખજાનો રગ્ગાલા કોલંબોથી લગભગ 200 કિલોમીટર દૂર એક નાનું શહેર છે. આજકાલ, આ શહેર તેના ચાના બગીચા માટે પ્રખ્યાત છે, પરંતુ આ સુંદર ખીણોમાં રાવણ સાથે જોડાયેલાં ઘણાં રહસ્યો હજુ પણ જીવંત છે.
શ્રીલંકન સરકારના દસ્તાવેજો અનુસાર, આજે જ્યાં નાની વસાહતો છે, ત્યાં એક સમયે રાવણનો આલીશાન મહેલ હતો. કહેવાય છે કે આ ગુફાઓમાં રાવણનો ખજાનો છુપાયેલો છે.
એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર રાવણનો મહેલ હતો.
અશોક વાટિકા અને નાગદ્વીપ વાલ્મીકિ રામાયણ અનુસાર, રાવણે માતા સીતાનું પંચવટીમાંથી અપહરણ કર્યું હતું અને તેમને અશોક વાટિકામાં લઈ આવ્યા હતા. હવે આ જગ્યા 'સેતા એલિયા' તરીકે ઓળખાય છે. તે નુવારા એલિયા નામની જગ્યા પાસે છે. અહીં સીતાજીનું મંદિર છે. નજીકમાં એક ધોધ પણ વહે છે. એવું માનવામાં આવે છે કે દેવી સીતા અહીં સ્નાન કરતાં હતાં.
નાગદ્વીપ આ ધોધની બરાબર નજીક છે. કહેવાય છે કે હનુમાનજીએ તેમનું પહેલું પગલું અહીં જ મૂક્યું હતું. સિંધલી ભાષામાં તેને પાવલા મલાઈ કહેવામાં આવે છે. આ પર્વત લંકાપુરા અને અશોક વાટિકા વચ્ચે છે.
સંશોધન બાદ નાગદ્વીપમાં વિશાળકાય પગના નિશાન મળ્યા, જેને હનુમાનના પગના નિશાન માનવામાં આવે છે.
જ્યાં સીતાનાં આંસુ પડ્યાં જ્યારે રાવણ સીતાનું હરણ કરીને તેમને લંકા લાવ્યો ત્યારે જ્યાં તેમનાં આંસુ પડ્યાં તે સ્થળને 'સીતા અશ્રુ તાલ' કહેવામાં આવે છે. આ સ્થળ શ્રીલંકાના કેન્ડીથી લગભગ 50 કિલોમીટર દૂર નામ્બારા એલિયા રોડ પર સ્થિત છે. જ્યારે ઉનાળામાં આસપાસના તળાવો સુકાઈ જાય છે, ત્યારે પણ તે સુકાતું નથી. ખાસ વાત એ છે કે તેની નજીક આવેલા તળાવનું પાણી મીઠું છે, પરંતુ આ તળાવનું પાણી ખારું છે.
જ્યાં સીતાએ અગ્નિપરીક્ષા આપી હતી એવું પણ કહેવાય છે કે શ્રીલંકામાં વેલીમાડા નામના સ્થળે દિવરુમપાલા મંદિર છે. અહીં માતા સીતાએ અગ્નિપરીક્ષા આપી હતી. સ્થાનિક લોકો આ સ્થળે સુનાવણી કરીને ન્યાય આપવાનું કામ કરે છે.
એવું માનવામાં આવે છે કે જેમ આ સ્થાન પર દેવી સીતાએ સત્ય સાબિત કર્યું હતું, તેવી જ રીતે અહીં લેવામાં આવેલ દરેક નિર્ણય સાચો સાબિત થાય છે. શ્રીલંકાના સિંહાલમાં વેરાગનાટોટા વિશે કહેવાય છે કે રાવણનું પુષ્પક વિમાન અહીં ઊતર્યું હતું. આ જગ્યા આજે પણ છે.