જીવન વિકાસ માટે વિસ્મૃતિ જરૂરી છે.

રાવણના વધ બાદ શ્રી રામે રાવણના ભાઈ વિભીષણને લંકાની ગાદી સોંપી અને રાવણનું શ્રાદ્ધ કરવા કહ્યું. વિભીષણ કહે, ‘મારો ભાઈ પાપી હતો. હું શ્રાદ્ધ નહીં કરું.’ રામે કહ્યું, ‘મરણાંતાનિ વૈરાણિ (મરણ સાથે વેરનો અંત આવે છે). માટે તારે રાવણનું શ્રાદ્ધ કરવું જ જોઈએ. હું પણ તારી સાથે શ્રાદ્ધસ્થળે બેસીશ.’

આને કહેવાય ખેલદિલી. જો બીત ગઈ સો બાત ગઈ. ખેલદિલી માટે 'વિસ્મૃતિ' આવશ્યક છે.‌ 

અને સારી સ્મૃતિ માટે પણ વિસ્મૃતિ જરૂરી છે. ત્રણ વર્ષનું બાળક સવારે ઊઠે ત્યારે આગલી રાતે મમ્મીએ મારેલી ટપલીને સાવ જ ભૂલીને ભરપૂર ઉત્સાહ સાથે મમ્મીને વળગી પડે છે. તેની આ વિસ્મૃતિ તેની સ્મૃતિને મોકળું મેદાન પૂરું પાડે છે. બાળકે ભાષાથી માંડીને બીજી હજાર વસ્તુ શીખવાની હોય છે. એવા વખતે મમ્મીની આગલી રાતની ટપલી કોણ યાદ રાખે? માણસનો સૌથી વધુ ગ્રાસ્પિંગ પાવર બાલ્યાવસ્થામાં હોય છે. આ સમજવા જેવું છે. ધારદાર સ્મૃતિ માટે જોરદાર વિસ્મૃતિ જરૂરી છે.

મનુભાઈ પંચોળી 'દર્શક'ના એક પુસ્તકમાં વાંચેલું હિન્દુ શાસ્ત્રનું એક રૂપક એવું છે કે ભમરી જ્યારે ઇયળને ડંખ મારે છે ત્યારે ડંખની આકરી પીડાને લીધે ઇયળ પછી સતત ભમરી વિશે જ વિચાર્યા કરે છે અને છેવટે એ ઇયળ જ્યારે કોશેટામાંથી બહાર આવે છે ત્યારે એ પોતે પણ ભમરી બની જાય છે અને બીજાને ડંખે છે. 

અલબત્ત, ઇયળ-કોશેટો-ભમરીનું આ રૂપક સાયન્ટિફ્કિ નથી, પણ તે ટેરિફિક તો છે જ, કારણ કે સામેવાળાના ડંખ, બદમાશી, જડતા, કટ્ટરતા વિશે સતત મનન કરનાર વ્યક્તિ પછી પોતાની સારપ ગુમાવીને સામેની વ્યક્તિ જેવી જ ડંખીલી, બદમાશ, જડ અને કટ્ટર બની જતી આ જગતમાં ચોતરફ જોવા મળે છે. આ ખોટનો સોદો ઇયળનું રૂપક સુંદર રીતે સમજાવે છે.

ભૂતકાળમાં એક ધર્મ દ્વારા બીજા ધર્મનાં શ્રદ્ધાસ્થળો તોડવાના બનાવો આખી દુનિયામાં ખૂબ બન્યા છે. એ બધા બનાવો છેવટે ભૂલવા જ પડે. ઇશુ ખ્રિસ્તને યહૂદીઓએ વધસ્તંભે ચડાવેલા એ વાત યાદ કરીને આજે ખ્રિસ્તીઓ યહૂદીઓ સામે બાંયો નથી ચડાવતા. એ જ રીતે બીજા વિશ્વયુદ્ધમાં ખ્રિસ્તી જર્મનીએ યહૂદીઓનો મહાસંહાર કરેલો એ વાતને યાદ કરીને યહૂદીઓ જર્મની સામે યુદ્ધે નથી ચડતા.

તો શું માણસે કે મોટા સમૂહોએ પોતાનાં તમામ જૂનાં પરાજયો, અપમાનો, અન્યાયો ભૂલી જવાનાં?

ના, બધું ભૂલી શકાતું નથી અને બધું ભૂલી જવા જેવું પણ નથી હોતું. સવાલ એ છે કે શું ભૂલવું અને શું યાદ રાખવું?

મુદ્દો આ છેઃ વિવેકબુદ્ધિ. શું મહત્ત્વનું છે અને શું ક્ષુલ્લક છે તેની સાચી સમજ વિના, ખાસ તો આજના માહિતી વિસ્ફોટના યુગમાં, ભલભલા માણસનું માનસિક સ્વાસ્થ્ય જોખમાઈ શકે. માટે, મગજમાં રોજેરોજ સારી-નરસી માહિતીના જે ટ્રક ઠલવાય છે તે બાબતે સભાન અને સાવધ બનવા જેવું છે.

રોજેરોજ મીડિયામાં ચગતા બધેબધા વિવાદો યાદ રાખવા જેવા નથી હોતા. રૂઝાઈ રહેલા જખમો પર વિસ્મૃતિનું પોપડું બાઝી રહ્યું હોય ત્યારે જૂની ઘટનાની સ્મૃતિઓ ફરી ફરી તાજી કરીને એ જખમો ખોતરવાની મુર્ખામી ન કરાય. વધુ તેજ ગતિથી દોડવું હોય તો માથા પરના જૂના-નકામા બોજ ફ્ગાવવા જ પડે. વિકાસ માટે વિસ્મૃતિ જરૂરી છે.

સાભાર :-
દીપક સોલિયા

Post a Comment

Previous Post Next Post