Sunday, July 3, 2022

જીવનરૂપી ગણિત

આપણે શાળામાં ભણતા હતા કે આપણાં બાળકો અત્યારે ભણતાં હશે કે પછી કોઇ શિક્ષક તરીકે શાળામાં અભ્યાસ કરાવતા હશે તો તેઓ ગણિતથી પરિચિત હશે. ગણિતમાં ભૂમિતિનો અભ્યાસ કરવામાં આવતો હતો. પ્રાથમિક શિક્ષણમાં ભૂમિતિની શરૂઆત થાય એટલે સૌથી પહેલો આનંદ લોખંડનો કંપાસ લાવવાનો થતો હતો. કેટલીક કંપનીઓના કંપાસમાં પરિકર, કોણમાપક, કૂટપટ્ટી અને બીજાં કેટલાંક સાધનો આવતાં હતાં. મારા ટીચરે કહ્યું છે કે, હવે પછી જ્યારે આવો ત્યારે આ કંપાસ લઇને આવજો નહીંતર ગણિત ભણવાનું ફાવશે નહીં. આવું આપણે બોલ્યા જ હોઈશું, આપણી પહેલાંની પેઢી પણ બોલી હશે અને અત્યારની પેઢી પણ આપણને કહેતી જ હોય છે. ત્યારે આપણું કોઈ માનતું નહોતું અને અત્યારે આપણે સંતાનોનું નથી માનતા.



જીવન પણ આ ગણિત જેવું જ છે. આમ તો તેમાં ગણિત કરતાં ગણતરીઓ વધારે ચાલતી હોય છે. તેમ છતાં આ ગણિત કો કે ગણતરી કહો તેમાં પણ એવો કંપાસ રાખવો પડે છે જેનાથી બધું યોગ્ય રીતે માપી શકાય. ભૂમિતિમાં એક ખાસ સાધન કોણમાપક આવે છે. આ કોણમાપક કોણ માપતું હોય છે. કોણ એટલે કે ખૂણા. ત્રિકોણ, સમચતુષ્કોણ, ષટ્કોણ, અષ્ટકોણ, લઘુકોણ, ગુરુકોણ, સરળકોણ, કાટકોણ જેવા ઘણા કોણ આવે છે. તેને માપવા અર્ધગોળાકાર કોણમાપક રાખવું પડે છે. કેટલા અંશનો ખૂણો પડે છે તેના આધારે કોણ નક્કી થતો હતો. જીવનમાં પણ સામે મળતા, સાથે રહેતા કે સમયાંતરેમળતા રહેતા લોકો પણ આવા જ હોય છે. તેમને માપવા માટે અનુભવનું કોણમાપક જોઈએ છે. આપણું કોણ, બીજાનું કોણ, પોતાનું કોણ, સામે કોણ, પાછળ કોણ, હવે કોણ જેવા ઘણા સવાલો હોય છે અને તેના જવાબ અનુભવોનું કોણમાપક જ આપી શકે છે. આપણી સાથે બનેલી ઘટનાઓ, આપણે જોયેલી ઘટનાઓ, આપણે અનુભવેલી ઘટનાઓ કે પછી આપણે સાંભળેલી ઘટનાઓના આધારે આપણા મનમાં સંબંધોના ખૂણા પડતા હોય છે. આ એવા ખૂણા છે જે વત્તે ઓછે અંશે નાનામોટા હોય છે. જ્યારે બંને છેડેથી સમાંતર રીતે સાયુજ્યની રેખાઓ આગળ વધે છે અને ચોક્કસ બિંદુએ ભેગી થાય છે ત્યારે સ્નેહનો ખૂણો પડે છે. તે વિસે આપણું કોણ તેનો પણ જવાબ મળી જાય છે.


આપણી સાથે બનતી ઘટનાઓ કે પછી આપણી સાથે બની ગયેલી ઘટનાઓમાં સંકળાયેલા કોણ છે તેના આધારે સંબંધના ખૂણા નક્કી થતા હોય છે. જે તમામ પરિસ્થિતિમાં સમાન રીતે રહે છે અને બધી જ પરિસ્થિતિઓમાં આપણને સમાન રીતે રાખે છે તેવા કાટકોણ જેવા માણસો ખૂબ જ ઓછા હોય છે. આપણાથી દૂર જતા કે આપણી પાસે આવતા આ માણસો જ જીવનના દરેક તબક્કે સાચા જવાબ આપે છે. તેમનામાં અંશમાત્ર ફેર પડતો નથી.

ત્યારપછી આવે છે પરિકર. આ ખૂબ જ સુંદર સાધન છે. તેની સાથે કૂટપટ્ટીનું પણ એટલું જ જોડાણ છે. પાના ઉપર એક કેન્દ્રબિન્દુ નક્કી કરીને તેના ઉપર પરિકરની અણી મૂકો અને બીજી તરફ જેટલા અંશનો ખૂણો રાખવો છે તે રાખીને બીજા છેડે રહેલી પેન્સિલને કાગળ ઉપર ગોળાકાર ફેરવો. સરસ મજાનું વર્તુળ બને છે. માણસની આસપાસ રહેતા લોકો આ વર્તુળોમાં સમાય છે. માણસ કેન્દ્રમાં હોય છે અને તેની આસપાસ તેનું પોતાનું એક ચોક્કસ વર્તુળ હોય છે. દરેક માણસનાં વર્તુળો પણ અલગ અલગ હોય છે. અહીંયાં કેન્દ્રમાં તે પોતે હોય છે અને પછી તેની ત્રિજ્યા અને વ્યાસના આધારે તેની આસપાસ માણસો ગોઠવાતા હોય છે. દર વખતે દરેક માણસ આપણા વર્તુળમાં સ્થાન પામે તેવું હોતું નથી અને દર વખતે આપણે પણ કોઇના વર્તુળમાં સ્થાન મેળવી લેવું એવું જરૂરી નથી. ઘણી વખત માણસનો વ્યાસ અને વ્યાપ એટલો વધારે હોય છે કે તેના વર્તુળમાં કોઇ પ્રવેશી શકતું નથી.


મહત્ત્વની વાત એ છે કે ભૂમિતિમાં વર્તુળનું પરિઘ માપવા માટે ચોક્કસ સંખ્યા છે. 314159 આ એવી સંખ્યા છે જે પરિઘને વ્યાસથી ભાગીએ ત્યારે આવે. તેને પાઇ કહેવાય છે. આપણું પણ આવું જ છે. આપણું વર્તુળ નાનું છે કે મોટું તે મહત્ત્વનું નથી, પણ આપણે કેન્દ્રમાં રહીને સામેના છેડા સુધી કેવી રીતે જોડાયેલા રહીએ છીએ તેના આધારે સંબંધનું વર્તુળ નક્કી થાય છે. આ સંબંધમાં વ્યક્તિ જો સ્વાર્થની ત્રિજ્યાઓ લંબાવતો રહે તો તેની કિંમત પાઈની થઈ જતા વાર લાગતી નથી.

જીવનનું ગણિત ખૂબ જ સરળ છે. તે ગણતરીઓની થિયરી ઉપર ચાલે છે. તેમાં પૂર્વધારણાઓ કામ કરતી જ નથી. અહીંયાં દરેક જગ્યાએ આપણે સંબંધોને માપવાનાં સાધનો સાથે રાખવાં જ પડે છે. ગણિત હોય કે ગણતરીઓ તેમાં યોગ્ય માપથી જ ચાલવું પડે છે. કોણ હોય કે પછી વર્તુળ ક્યાં 90 અંશે ભેગા થવું ક્યાં તો 360 અંશે ગોળ કરવાની તૈયારી રાખવી. આ બે સ્થિતિમાં જ સંબંધોના કોયડાના સાચા જવાબો આવે છે.


સાભાર

Source

રીલેશનના રિલેસન'- અર્ધસાપ્તાહિક પૂર્તિ

લેખક: રવિ ઇલા ભટ્ટ

(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)