અલ્ગોરિધમ એક ડિજિટલ દુશ્મન

મારે તમારી સાથે એક એવા ગંભીર વિષય પર વાત કરવી છે જે ધીમે ધીમે આપણા સમાજ અને સંબંધોને અંદરથી કોરી ખાઈ રહ્યો છે. જેને આપણે આધુનિક ટેકનોલોજી કહીએ છીએ, તે વાસ્તવમાં એક 'મીઠું ઝેર' બની ગયું છે.

આ ઝેરનું નામ છે - અલ્ગોરિધમ (Algorithms). આપણે જાણતા-અજાણતા દૈનિક જીવનમાં આ ઝેરનું સેવન કરી રહ્યા છીએ.

🤯 અલ્ગોરિધમ એટલે શું?

સરળ ભાષામાં સમજીએ તો, અલ્ગોરિધમ એટલે તમે સોશિયલ મીડિયા પર જે કંઈ પણ જુઓ છો, તેને નક્કી કરતું એક 'સર્ચ એન્જિન' અથવા 'ડિજિટલ જાસૂસ'.

આ મશીનનું એક જ મુખ્ય ધ્યેય છે: તમારો સમય. તમને બને એટલો વધુ સમય જે-તે પ્લેટફોર્મ (જેમ કે Instagram, Facebook, YouTube) પર રોકી રાખવા, જેથી તેમનો ધંધો ચાલે. પણ તેમનો ધંધો ચલાવવામાં આપણા ઘરના સંબંધોનો ભોગ લેવાઈ રહ્યો છે.

હાલ સોશિયલ મીડિયા આપણા જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે ગુસ્સામાં કે તણાવમાં હોવ છો, ત્યારે આ અલ્ગોરિધમ કેવી રીતે આગમાં ઘી હોમવાનું કામ કરે છે?

💔 સંબંધોમાં ઝેર કેવી રીતે ઘોળાય છે? (ઉદાહરણ સાથે)

ધારો કે બે જીગરી મિત્રો વચ્ચે કોઈ નાની બાબતમાં બોલાચાલી થઈ. મન અશાંત છે અને ગુસ્સામાં એક મિત્ર પોતાનો મોબાઈલ હાથમાં લે છે અને સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવાનું શરૂ કરે છે.

સ્ક્રોલ કરતાં-કરતાં તેની નજર એકાદ એવી પોસ્ટ પર અટકે છે જે તેની હાલની પરિસ્થિતિ (ગુસ્સો કે હતાશા) સાથે મળતી આવે છે. તે મિત્ર એ પોસ્ટ પર થોડી સેકન્ડ રોકાય છે અથવા તેને લાઈક કરે છે. બસ! આટલું જ કાફી છે પેલા 'અલ્ગોરિધમ' માટે. તે તરત જ તમારો 'મૂડ' પકડી લે છે. તે નક્કી કરી લે છે કે અત્યારે આ વ્યક્તિ ગુસ્સામાં છે, નિરાશ છે કે અસુરક્ષિત અનુભવી રહ્યો છે.

હવે શરૂ થાય છે અસલી રમત. અલ્ગોરિધમ તરત જ એક 'ઈકો ચેમ્બર' બનાવે છે. એટલે કે, હવે તમને તમારી ફીડમાં સતત એવા જ વિડિયો અને રીલ્સ દેખાડવામાં આવશે જે તમારા નકારાત્મક વિચારોને સમર્થન આપે. જેમકે:

"આજના જમાનામાં મિત્રો મતલબી હોય છે."

"લોકો પૈસા જોઈને સંબંધ રાખે છે."

"ભરોસો કરવા જેવો કોઈ નથી."

આવા વિડિયો જોઈને તમને થશે, "હા, હું સાચો છું! મારો ગુસ્સો વ્યાજબી છે." આ મશીન તમને એવું જ ફિલ કરાવશે કે સામેવાળી વ્યક્તિ જ ખોટી અને દગાબાજ છે.

(આવી રીતે અલ્ગોરિધમ સિસ્ટમ દરેક સંબંધમાં ઝેર ઘોળે છે - પછી તે પતિ-પત્ની હોય, પ્રેમી-પ્રેમિકા હોય, ભાઈ-ભાઈ હોય કે મિત્રો હોય.)

વિશ્વાસઘાત અને દગાબાજીની વાતો સાંભળીને તમારા મગજમાં એ વાત મજબૂત થઈ જાય છે કે "મારી સાથે જ ખોટું થયું છે." લડાઈનું જે મૂળ કારણ હતું, જે કદાચ સાવ સામાન્ય હતું, તે તો ભુલાઈ જાય છે. પણ અલ્ગોરિધમે તમારા મગજમાં જે શંકા અને નફરતનું બીજ રોપી દીધું હોય છે, તે નાનકડા મતભેદને કાયમી મનભેદ સુધી પહોંચાડી દે છે. પરિણામે, વર્ષો જૂનો સંબંધ એક ઝાટકે તૂટી જાય છે.

🛡️ ડિજિટલ ઝેરથી બચવા શું કરવું?

યાદ રાખજો મિત્રો, આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને તમારા સંબંધો સચવાય કે તૂટે, તેનાથી કોઈ જ ફરક નથી પડતો. તેમનું એકમાત્ર લક્ષ્ય તમે વધુને વધુ સમય સ્ક્રીન સામે ચોંટી રહો તે જ છે.

માટે આ ડિજિટલ ઝેરથી બચવા માટે આટલું ખાસ કરજો:

મોબાઈલથી દૂર રહો: 

જ્યારે પણ કોઈ સ્નેહીજન સાથે ઝઘડો થાય, મતભેદ થાય કે ગુસ્સો આવે, ત્યારે સૌથી પહેલા મોબાઈલને અડવાનું બંધ કરી દેજો.

શાંતિથી વિચારો: 

સ્ક્રીન ઓફ કરી, ફોન સાઈડમાં મૂકી દેજો. એકલા બેસીને શાંતિથી વિચારજો.

રૂબરૂ વાત કરો: 

શક્ય હોય તો સામેવાળી વ્યક્તિ સાથે રૂબરૂ બેસીને વાત કરજો. મોબાઈલની સ્ક્રીન પર સમસ્યાનો હલ શોધવા ન જશો.


યાદ રાખો એ સમયે તમે જે વિડિયો જુઓ છો તે તમારા મનનો અવાજ નથી, પણ એક મશીન (અલ્ગોરિધમ) નો સેટ કરેલો પ્રોગ્રામ છે.

💡 અંતિમ સંદેશ

તો મિત્રો, આપણે આ ડિજિટલ દુનિયાના ગુલામ નથી બનવાનું. આપણા કિંમતી સંબંધો, આપણી લાગણીઓ અને આપણા નિર્ણયો ઉપર કોઈ નિર્જીવ અલ્ગોરિધમને હાવી થવા દેવું, એ આપણા માનવીય સંબંધોનું સૌથી મોટું અપમાન છે. સંબંધો સાચવવા હોય તો ઓફલાઈન થવું પણ એટલું જ જરૂરી છે!


Previous Post Next Post