तेजस्विनाव धीतमस्तु
GCERT
GUJARAT COUNCIL 0F EDUCATIONAL RESEARCH & TRAINING
GANDHINAGR
D.El.Ed. F.Y.P.T.C.
ડી.એલ.એડ્. અભ્યાસક્રમ મોડ્યૂલ
કોર્સ – 7
માહિતી અને પ્રત્યાયન તકનિકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ- 1
પ્રત્યાયન એટલે શું ?
પ્રત્યાયન (Communication) એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે માહિતી, વિચારો, હકીકતો, અભિપ્રાયો લાગણીઓ, કે સંદેશાઓની આપ-લે થવી. પ્રત્યાયનને સંદેશવ્યવહાર પણ કહે છે. પ્રત્યાયન એટલે માહિતીનું આદાન પ્રદાન.
શિક્ષણમાં પ્રત્યાયન (Communication in Education) એટલે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે અથવા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે શિક્ષણ-લક્ષી માહિતી, જ્ઞાન, વિચારો અને લાગણીઓની વ્યવસ્થિત આપ-લે.
શિક્ષણ પ્રક્રિયાની સફળતાનો મોટો આધાર શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેના અસરકારક પ્રત્યાયન પર રહેલો છે.
=======#========#=========#=======#=========#=======
પ્રત્યાયન પ્રક્રિયા એટલે શું ? પ્રત્યાયનની જરૂરિયાત સમજાવો.
પ્રત્યાયન પ્રક્રિયા એટલે માહિતી, વિચારો, લાગણીઓ અને સંદેશાઓની આપ-લે કરવા માટેની એક વ્યવસ્થિત અને ચક્રીય પ્રક્રિયા. આ પ્રક્રિયામાં એક વ્યક્તિ (પ્રેષક) તેના સંદેશાને યોગ્ય માધ્યમ દ્વારા બીજા વ્યક્તિ (પ્રાપ્તકર્તા) સુધી પહોંચાડે છે અને પ્રાપ્તકર્તા તેનો પ્રતિભાવ (Feedback) આપે છે.
પ્રત્યાયનની જરૂરિયાત
કોઈપણ કક્ષાએ થતા પ્રત્યાયનનો કોઈ ચોક્કસ હેતુ હોય છે. આ હેતુ વ્યક્તિની ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરે છે. આ જરૂરિયાતો સભાન રીતે કે અનાયાસે પૂરી થતી જોવા મળે છે. પ્રત્યાયનના હેતુઓ પ્રત્યાયન ક૨ના૨ની જરૂરિયાત અનુસા૨ના હોય છે.
પ્રત્યાયન એ માત્ર વાતચીત નથી, પરંતુ એક એવું સાધન છે જે વ્યક્તિઓ અને સંસ્થાઓને તેમના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં અને સફળતાપૂર્વક કાર્ય કરવામાં મદદ કરે છે.
પ્રત્યાયનની જરૂરિયાત નીચે મુજબની ગણી શકાય.
1. માહિતીની આપ-લે : માહિતી આપવા, લેવા કે પરસ્પર આપ-લે ક૨વા.
2. સંબંધોનું નિર્માણ : પ૨સ્પ૨ સુમેળભર્યા સંબંધ બાંધવા તથા સંબંધોમાં સંવાદિતા જાળવવા, પ્રત્યાયન
માનવીય સંબંધોનો આધાર છે. તે
વ્યક્તિઓ વચ્ચે વિશ્વાસ, સમજણ અને સહાનુભૂતિ સ્થાપિત
કરે છે, જે સ્વસ્થ
સંબંધો માટે જરૂરી છે.
3. અભિવ્યકત કરવા : માનવી પોતાના વિચારો, માન્યતાઓ, ખ્યાલો, કલ્પનાઓ, ક્ષમતાઓ, લાગણીઓ, વલણો અન્ય સમક્ષ અભિવ્યકત કરવા.
4. પ્રેરણા અને મનોબળ : અન્યને પ્રે૨ણા અને માર્ગદર્શન આપવા તેમજ અન્યો પાસેથી પ્રે૨ણા અને માર્ગદર્શન મેળવવા. અસરકારક પ્રત્યાયન વ્યક્તિઓ અને ટીમોમાં પ્રેરણા અને સકારાત્મક મનોબળ પેદા કરે છે. જો નેતૃત્વ કર્મચારીઓ સાથે નિયમિત અને ખુલ્લો સંવાદ રાખે, તો કર્મચારીઓ પોતાને મૂલ્યવાન અનુભવે છે. ઉદાહરણ: શિક્ષક દ્વારા વિદ્યાર્થી ને સારા અક્ષર માટે જાહેરમાં પ્રશંસા કરવી.
5. બોલાયેલા કે લખેલા શબ્દોના માત્ર શબ્દાર્થ જ નહિ ભાવાર્થ સમજવા.
6. સ્પષ્ટતાઓ મેળવવા તથા વિવાદ દૂ૨ ક૨વા.
7. હાવભાવ, સંકેતો, સંજ્ઞાઓ કે ગ્રાફિકસનો અર્થ સમજવા-સમજાવવા.
8. તે પરિણામલક્ષી હોય, પર્યાવ૨ણ સાથેનું સાયુજ્ય પ્રસ્થાપિત ક૨વામાં મદદરૂપ બને છે.
=======#========#=========#=======#=========#=======
પ્રત્યાયનનું વર્ગીકરણ અથવા પ્રકારો
👤 શાબ્દિક પ્રત્યાયન
જયારે પ્રત્યાયનમાં સંદેશ શબ્દો દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા રજૂ થતો હોય ત્યારે તે શાબ્દિક પ્રત્યાયન
(Verbal Communication) બને છે. બોલીને કે લખીને ક૨વામાં આવતા પ્રત્યાયનમાં શબ્દોનો ઉપયોગ ક૨વામાં આવતો હોવાથી આ પ્રકા૨નું પ્રત્યાયન શાબ્દિક પ્રત્યાયન કહેવાય છે. વર્ગખંડ શિક્ષણમાં આ પ્રત્યાયન ઘણું ઉપયોગી છે. શિક્ષણ અને વિદ્યાર્થી વચ્ચેની આંતરક્રિયામાં આ પ્રત્યાયન અગત્યનો ભાગ ભજવે છે.
👤 અશાબ્દિક પ્રત્યાયન
અશાબ્દિક પ્રત્યાયન (Nonverbal Communication)માં શબ્દો અને ભાષાનો ઉપયોગ થતો નથી. શાબ્દિક માહિતીને વધુ અસ૨કા૨ક બનાવવા ભાષાના વિકલ્પે વ્યક્તિ ઘણીવાર બોડી લેંગ્વેજ એટલે કે ચહેરાનાં હાવભાવ, અંગોનું હલનચલન, સંકેતો, સંજ્ઞાઓ, અશાબ્દિક ઉચ્ચારણો, સ્પર્શ, વગેરેનો પૂરક પ્રયુકિત તરીકે ઉપયોગ કરે છે. એટલું જ નહીં કયારેક તેને મુખ્ય પ્રયુક્તિઓ તરીકે પણ વાપરે છે ત્યારે અશાબ્દિક પ્રત્યાયન સ્થાન લે છે.
સર્જનાત્મક અભિવ્યક્તિ મા૨ફતે થતું પ્રત્યાયન જેમ કે સંગીત, નૃત્ય, નૃત્યનાટિકા, ચિત્રકામ, શિલ્પકલા, સુશોભન તેમજ સંકેતો અને ચિહ્નો વગેરે અશાબ્દિક પ્રત્યાયનના ઉદાહરણો છે. આ ઉપરાંત અદબવાળીને ઉભું રહેવું, થાબડવું, નિકટતાની લાગણી વ્યક્ત કરવી, નજ૨, પહે૨વેશ, અનુક૨ણ માટેના વર્તન-વર્તણૂંકના ઉદાહ૨ણો પણ અશાબ્દિક પ્રત્યાયન સ્વરૂપે સંદેશાઓનું વહન કરે છે.
વર્ગખંડમાં શિક્ષક વિદ્યાર્થીઓને અવાજ બંધ કરવા બોલીને કે બોર્ડ પર શબ્દો લખીને સૂચના આપે છે, તે શાબ્દિક પ્રત્યાયન છે, જ્યારે મોં પર આંગળી મૂકી ચૂપ રહેવા ઇશારો કરે છે, તે અશાબ્દિક પ્રત્યાયન કહેવાશે.
👤 લેખિત પ્રત્યાયન
લેખિત સ્વરૂપ પ્રત્યાયન (Written Communication) એ પ્રત્યાયનનું એવું સ્વરૂપ છે કે જેમાં સ્રોત દ્વારા મોકલવામાં આવતો સંદેશ લેખિત સ્વરૂપમાં હોય છે. પત્ર વ્યવહાર, જર્નલ્સ, ઇ-મેઇલ, અહેવાલ, લેખ, સ્મૃતિપત્ર વગેરે લેખિત પ્રત્યાયનના ઉદાહરણો છે. લેખિત પ્રત્યાયનમાં સંદેશ મોકલતા પહેલા તેમાં સુધારા- વધારા કરી શકાય છે. અન્ય પ્રકારના પ્રત્યાયનમાં એવું થઇ શકતું નથી.
👤 મૌખિક પ્રત્યાયન
જ્યારે સંદેશ બોલીને મૌખિક રીતે આપવામાં આવે ત્યારે મૌખિક પ્રત્યાયન (Oral Communication) થાય છે. આવું પ્રત્યાયન શાબ્દિક હોય છે.
👤 અધોગામી પ્રત્યાયન
અધોગામી પ્રત્યાયન (Downword Communication)માં ઉચ્ચ હોદ્દા પર કાર્ય ક૨તા લોકો તેનાથી નિમ્ન હોદ્દા પર કાર્ય૨ત લોકો ત૨ફ સંદેશ મોકલવામાં આવે છે. જેના દ્વારા નિમ્ન હોદ્દા પર કાર્ય કરતા લોકોને ઉચ્ચ સ્થાને કાર્યરત લોકો શું ઈચ્છે છે, તેમની અપેક્ષાઓ શી છે તેની માહિતી પ્રાપ્ત થાય છે. અધોગામી પ્રત્યાયનનો હેતુ નિમ્ન કક્ષાએ માહિતી પહોંચાડવાનો હોય છે આથી તે એકમાર્ગીય હોય છે. સંસ્થાના સંચાલકો કે શાળાના આચાર્ય નોટિસ કાઢી સંસ્થાના બધા જ કર્મચારીઓને વંચાવી વાંચ્યા બદલની સહી કરાવે અથવા નોટિસનો પત્ર કર્મચારીઓ વચ્ચે ફે૨વવાને બદલે નોટિસ બોર્ડ પ૨ ચિટકાવી બધાનું ઘ્યાન દોરે છે ત્યારે આ પ્રકા૨નું પ્રત્યાયન સ્થાન લે.
શાળામાં રાષ્ટ્રીયપર્વોમાં લોકનેતાઓ દ્વારા થતા ભાષણ અધોગામી પ્રત્યાયન છે. ફિલ્મ, ટેલીવિઝન, નાટકો, જાહેરાતો, પેમ્પલેટ વગેરે અધોગામી પ્રત્યાયનના ઉદાહરણો છે.
👤 ઉર્ધ્વગામી પ્રત્યાયન
ઉર્ધ્વગામી પ્રત્યાયન (Upward Communication) એટલે નિમ્ન કક્ષાએથી ઉચ્ચ કક્ષાએ થતું સંદેશાઓનું વહન. આ પ્રકારના પ્રત્યાયન દ્વારા ઉચ્ચ કક્ષાએ કાર્યરત લોકોને નિમ્ન કક્ષાએ કાર્યરત લોકો પોતાની જરૂરિયાતો, મુશ્કેલીઓ, માગો, અપેક્ષાઓ, થયેલ અન્યાય-નુકસાન અંગેની માહિતીની જાણ કરે છે. કેટલીક વા૨ નિમ્ન કક્ષાએ કાર્યરત લોકો ઉચ્ચ કક્ષાએ કાર્યરત લોકોને સીધા જ મળી શકતા નથી. ત્યારે પત્રવ્યવહાર કે અન્ય માધ્યમ દ્વારા પણ આવું પ્રત્યાયન કરે છે.
હડતાલ, બાયોડેટા, અરજીપત્રકો, લોક ફરિયાદો, અભિપ્રાયો, જાહે૨ સંસ્થાઓમાં રાખેલ સૂચના/ફરિયાદ પેટીઓમાંથી નીકળતા પત્રો, વગેરે ઉર્ધ્વગામી પ્રત્યાયનના ઉદાહરણો છે.
👤 જૂથ પ્રત્યાયન અને સમૂહ પ્રત્યાયન
ચોક્કસ હેતુ માટે બે થી વધારે વ્યક્તિઓ ભેગા મળી ચર્ચા કરે તેને જૂથ પ્રત્યાયન (Group Communication) કહેવાય છે. અહીં જૂથના વ્યક્તિઓની સંખ્યા ઓછી હોય છે કે જેથી દરેક ચર્ચામાં ભાગ લઇ શકે. પ્રેસ કોન્ફરન્સ, બોર્ડની મિટીંગ, ટીમ મિટીંગ એ જૂથ પ્રત્યાયનનાં ઉદાહરણો છે.
પ્રત્યાયન પ્રક્રિયામાં જયારે વસતિનો મોટો સમુદાય જોડાય કે અસ૨ પામે છે ત્યારે સમૂહ પ્રત્યાયન (Mass
Communication) થાય છે. એક વ્યક્તિ મોટા સમૂહને સંબોધિત કરતો હોય ત્યારે આ પ્રકારનું પ્રત્યાયન સ્થાન લે છે. ચૂંટણી પ્રચાર સભાઓ અને જાહેરસભાઓ આ પ્રકારના પ્રત્યાયનનાં ઉદાહરણો છે. સામાન્ય રીતે આવા પ્રત્યાયનમાં એક વ્યક્તિ માહિતી આપનાર/વક્તા અને ઘણાં વ્યક્તિઓ માહિતી મેળવનાર/શ્રોતાઓ હોય છે. આજના વિશ્વના વિકાસમાં સમૂહ પ્રત્યાયનનો નોંધપાત્ર ફાળો છે. ટેલિવિઝન, રેડિયો, સિનેમા, અખબાર, પુસ્તકો, ઓડિયો વિડિયો કેસેટ, કોમ્પેક ડીસ્ક, ઈન્ટ૨નેટ જેવા સમૂહ માધ્યમોના ઉપયોગથી આ પ્રત્યાયન થવા લાગ્યું છે. આ પ્રત્યાયનમાં ભાગ લેતા લોકો ભાંતિક રીતે અલગ અલગ સ્થાન પર પણ હોઇ શકે છે.
વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતું પ્રત્યાયન જૂથ પ્રત્યાયનનું ઉદાહરણ છે. જ્યારે શાળાની સમૂહ પ્રાર્થનામાં આચાર્યશ્રી દ્વારા અપાતી સૂચના સમૂહ પ્રત્યાયનનું ઉદાહરણ છે.
👤 આંતરિક વૈયક્તિક પ્રત્યાયન
આંતરિક વૈયક્તિક પ્રત્યાયન (Intra Personal Communication) એટલે વ્યક્તિનું પોતાની જાત સાથેનું પ્રત્યાયન. વ્યક્તિ લખતાં કે બોલતાં પહેલાં મનમાં આયોજન કરે છે, વિચારે છે, કંઈક યાદ કરે છે, જાત સાથે વાતચીત કરે છે. આમ, જયારે વ્યક્તિ પોતાની જાત સાથે વાતચીત કરીને પ્રત્યાયન કરે છે ત્યારે આંતરિક વૈયક્તિક પ્રત્યાયન થાય છે. કોઈપણ પ્રકા૨નું પ્રત્યાયન થાય તે પહેલાં આંતરિક વૈયક્તિક પ્રત્યાયન સ્થાન લે છે. આંતરિક વૈયક્તિક પ્રત્યાયન કોઈપણ પ્રત્યાયન પ્રક્રિયાનો મુખ્ય આધાર છે.
👤 આંતર વૈયક્તિક પ્રત્યાયન
જયારે બે વ્યક્તિઓ વચ્ચે સંદેશની આપ-લે થાય છે ત્યારે આંત૨ વૈયક્તિક પ્રત્યાયન (Inter Personal Communication) થયું કહેવાય. શાળામાં શિક્ષકો વચ્ચે થતું પ્રત્યક્ષ પ્રત્યાયન આંતર વૈયક્તિક પ્રત્યાયનનું ઉદાહ૨ણ છે. જો કે આંત૨ વૈયક્તિક પ્રત્યાયનમાં બોલના૨ અને સાંભળના૨ હંમેશાં પ્રત્યક્ષ હાજરી હોતી નથી. પત્રવ્યવહા૨, ઈ-મેઈલ, ચેટ અને મોબાઈલ ફોન તેમજ ટેલીફોન પર થતી વાતચીત અપ્રત્યક્ષ આંતર વૈયક્તિક પ્રત્યાયનના ઉદાહ૨ણો છે. સંદેશ મોકલનાર અને મેળવનારની પ્રત્યક્ષ હાજરી આ પ્રત્યાયનને વધુ અસ૨કા૨ક બનાવે છે.
સારો શિક્ષક વર્ગખંડ પૂર્વે વર્ગખંડ પ્રવૃત્તિઓના આયોજન માટે અને પછી સ્વમૂલ્યાંકન માટે આંતરિક વૈયક્તિક પ્રત્યાયન કરતો હોય છે. જ્યારે વર્ગખંડ પ્રવૃત્તિઓ દરમિયાન વિદ્યાર્થી સાથે આંતર વૈયક્તિક પ્રત્યાયન કરતો હોય છે.
👤 એકમાર્ગી પ્રત્યાયન
જયારે પ્રત્યાયનમાં માહિતી આપનાર સક્રીય હોય અને સ્વીકા૨ના૨ નિષ્ક્રીય હોય ત્યારે એકમાર્ગીય પ્રત્યાયન (One way Communication) સ્થાન લે છે. એકમાર્ગીય પ્રત્યાયનમાં માહિતી આપના૨નું પ્રભુત્વ હોય છે. તેનો પ્રભાવ પડે છે. તે ઉચ્ચ સ્થાને હોય છે. માહિતી સ્વીકા૨ના૨ નિષ્ક્રિય હોય છે. એટલે કે તેને શાબ્દિક પ્રતિપોષણ આપવાની તક હોતી નથી.
એક માર્ગીય પ્રત્યાયનમાં માહિતી સ્વીકા૨ના૨ બધુ સમજે છે, તેને બધુ સમજાઇ ગયું છે તે સ્વીકારી લેવામાં આવે છે. એટલે કે જે હેતુ માટે પ્રત્યાયન થયું છે, તે હેતુ પૂર્ણ થયો છે એવું સ્વીકારી લેવામાં આવે છે. તે વાસ્તવિક રીતે સાચું નથી. આ એકમાર્ગીય પ્રત્યાયનની મુખ્ય ત્રૂટિ છે. પ્રત્યાયનનો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો હોય, ઓછા સમયમાં વધુ માહિતી આપવાની હોય, ફેરફારો, અંગત મંતવ્યો કે સ્વતંત્રતાને સ્થાન ન હોય ત્યારે નિયંત્રિત અંકુશિત પ્રત્યાયન માટે એકમાર્ગીય પ્રત્યાયન શ્રેષ્ઠ છે.
👤 દ્વિમાર્ગી પ્રત્યાયન
જયારે પ્રત્યાયન પ્રક્રિયામાં માહિતી આપના૨ અને સ્વીકા૨ના૨ બન્ને સક્રિય હોય છે ત્યારે દ્વિમાર્ગીય પ્રત્યાયન (Two
way Communication) સ્થાન લે છે. આ પ્રત્યાયનમાં ઉદ્દીપક-પ્રતિપોષણની કાર્ય ક૨તી એક સાંકળ ઉભી થાય છે અને પ્રત્યાયન સફળ ૨હેવાની શક્યતાઓ વધે છે.
સૂચનાઓ આપવી, ઉપદેશો આપવા, પ્રાર્થના, સંગીત, જાહે૨સભા, મનોરંજન કાર્યક્રમો, રેડિયો, ટેલિવિઝન જેવા સમૂહ માઘ્યમનાં પ્રસા૨ણો, વ્યાખ્યાનો એકમાર્ગીય પ્રત્યાયનનાં ઉદાહ૨ણો છે. જ્યારે ચર્ચા માટે કોઈ મુદ્દો ખુલ્લો મુકવો, બીજાનાં મંતવ્યો, વિચારો, સૂચનો આવકા૨વા, પ્રશ્ન પૂછવા- ઉત્તરો મેળવવા, મૂલ્યાંકન ક૨વું, પ્રતિપોષણ આપવું આ બધા દ્વિમાર્ગીય પ્રત્યાયનના ઉદાહરણો છે.
=======#========#=========#=======#=========#=======
પ્રત્યાયન પ્રક્રિયાના ઘટકો
👉 સ્રોત (Source)
વ્યક્તિ, વસ્તુ, ઘટના કે પ્રસંગ જે શાબ્દિક કે અશાબ્દિક સંકેત ઉદ્દીપકો પુરાં પાડે, જેનો બીજી કોઈ વ્યક્તિ પ્રતિચાર આપે તો તેને સ્રોત(Source) કહે છે. જો સંદેશ મોકલના૨ કોઈ વ્યક્તિ હોય તો તેને સંદેશ મોકલના૨ (Sender) કહે છે. સંદેશ સ્રોત દ્વારા મોકલાય છે. પ્રત્યાયનની પ્રક્રિયા સ્રોતથી શરૂ થાય છે.
👉 સંદેશ (Messages).
મોકલનાર દ્વારા મોકલાતી માહિતીને સંદેશ કહેવાય છે. સંદેશ શબ્દોમાં, બોલીને કે લખીને મોકલી શકાય. ચિત્રો કે આકૃતિઓ જેવાં પ્રતીકોના માઘ્યમથી પણ મોકલી શકાય. હાવભાવથી પણ વ્યકત કરી શકાય. સંદેશનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. તે સાંકેતિક સ્વરૂપે સ્રોતમાં ૨હે છે. સ્રોત મારફત માહિતી સંદેશ સ્વરૂપે મોકલવામાં આવે છે.
👉 સંકેતીકરણ (Encoding)
સંદેશ મોકલના૨ જે સંદેશ મોકલવા ઈચ્છે છે તેને શબ્દોમાં કે સંકેતોમાં ઉતા૨વો એટલે સંકેતીક૨ણ.
સંકેતો શાબ્દિક કે અશાબ્દિક ચિહ્નો હોઇ શકે. કયારેક બન્નેનો સાથે પણ ઉપયોગ થાય છે. સાંકેતીકરણનો આધા૨ સંદેશ મોકલના૨ની આવડત ઉ૫૨, તેના જ્ઞાન ઉ૫૨, સામાજિક અને સાંસ્કૃતિક પ્રણાલી વગેરે ઉ૫૨ રહે છે.
👉 માધ્યમ (Channel)
સંદેશનું સ્વરૂપ નક્કી કર્યા પછી સંદેશના વહન/પ્રસ૨ણના માર્ગને માધ્યમ કહે છે. સંદેશ મોકલનારથી સંદેશ મેળવનાર સુધી સંદેશ લઇ જનાર વાહન એટલે માધ્યમ. પ્રત્યાયન માટેના માધ્યમ ઘણા છે. જેવા કે લેખિત, મૌખિક, શાબ્દિક, અશાબ્દિક તેમજ સમૂહ માધ્યમો જેવા કે ટીવી, રેડિયો, વર્તમાનપત્રો, પુસ્તકો વગેરે. યોગ્ય માધ્યમની પસંદગીથી જ સંદેશનો સાચો અર્થ પ્રસરણ પામે છે. પ્રત્યાયનની સફળતા અને નિષ્ફળતાનો આધાર યોગ્ય માધ્યમની પસંદગી પર રહેલો છે.
👉 મુકામ (Destination) અથવા સંદેશ મેળવનાર (Receiver)
સંદેશ જેને ઉદ્દેશીને મોકલાય છે તેને મુકામ કહે છે. મુકામ તરીકે વ્યક્તિ હોય તો તેને માહિતી મેળવનાર કહે છે. તે સ્રોત દ્વારા મોકલાયેલો સંદેશ મેળવે છે.
👉 વિસંકેતીકરણ (Decoding)
માહિતી મેળવનાર દ્વારા સંદેશ ઉકેલવાની ક્રિયા એટલે વિસંકેતીક૨ણ. સંદેશ સ્રોત ત૨ફથી આવેલો હોય છે. સંદેશ મેળવનાર દ્વારા સાંકેતિક લીપીના સંદેશઓમાંથી અર્થ તા૨વવાની પ્રક્રિયા વિસંકેતીક૨ણ છે. જો સંદેશ મેળવનાર વ્યક્તિ સાંભળવા, વાંચવા કે વિચારવા સક્ષમ ન હોય, મેળવનારનું પર્યાવરણ કે મનોસ્થિતિ યોગ્ય ન હોય તો મોકલનાર જે સંદેશ પહોંચાડવા માંગે છે તે જ અર્થમાં એ સંદેશ તે મેળવી તેનું વિસંકેતન કરી શકતો નથી.
👉 પ્રતિપોષણ (Feedback)
સ્રોત દ્વારા મોકલાયેલા સંદેશના પરિણામ સ્વરૂપે માહિતી સ્વીકારનારે સ્રોતને મોકલેલો પ્રતિચાર એટલે પ્રતિપોષણ. પ્રતિપોષણ હકારાત્મક કે નકારાત્મક હોઈ શકે. તે શાબ્દિક કે અશાબ્દિક હોઇ શકે. પ્રતિપોષણને લીધે પ્રત્યાયન દ્વિમાર્ગીય બને છે. પ્રત્યાયન પ્રક્રિયામાં સંદેશ મોકલનાર તથા મેળવનાર સતત પોતાનો રોલ બદલતા રહે છે જેથી પ્રતિપોષણ-પ્રતિક્રિયા ચક્ર ચાલતું રહે છે.
👉 વિક્ષેપ/અવરોધ (Noise/Barriers).
સંદેશને અસ્પષ્ટ ક૨તી કોઈપણ બાબત એટલે વિક્ષેપ. વિક્ષેપ સંદેશને વિકૃત બનાવે છે. તે આંતરિક તેમજ બાહ્ય હોઈ શકે. વિક્ષેપ સ્રોતમાં, મુકામમાં કે માધ્યમમાં પણ હોઈ શકે. વિક્ષેપ પ્રત્યાયન પ્રક્રિયાને બિનઅસરકારક કે નબળી બનાવે છે. અસરકારક પ્રત્યાયન માટે વિક્ષેપને દૂર કરવા જોઇએ કે તેની માત્રા ઘટાડવી જોઇએ. વિક્ષેપ વિવિધ પ્રકારના હોય છે. તે ભૌતિક, ભાષાકીય, માનસિક કે પશ્ચાદ ભૂમિકાસ્વરૂપ હોય
ચાલો એક સરળ ઉદાહરણ દ્વારા આ ઘટકોને સમજીએ:
સ્રોત (Source) 👉 એક મેનેજર તેના કર્મચારીને ઈમેલ દ્વારા કાલે સવારે ૧૦ વાગ્યે મીટિંગ રાખવા વિશે જણાવે છે.
પ્રેષક (Sender) 👉 મેનેજર
સંદેશ (Message) 👉 "કાલે સવારે ૧૦ વાગ્યે મીટિંગ છે."
સંકેતાંકન (Encoding) 👉 મેનેજર સંદેશાને લેખિત શબ્દોમાં (ઈમેલ સ્વરૂપે) રૂપાંતરિત કરે છે.
માધ્યમ (Channel) 👉 ઈમેલ
પ્રાપ્તકર્તા (Receiver) કર્મચારી
સંકેતાર્થઘટન (Decoding) 👉 કર્મચારી ઈમેલ વાંચીને "કાલે સવારે ૧૦ વાગ્યે ઓફિસમાં હાજર રહેવું" એવો અર્થ સમજે છે.
પ્રતિભાવ (Feedback) 👉 કર્મચારી ઈમેલનો જવાબ આપે છે: "ઓકે, હું સમયસર પહોંચી જઈશ."
અવરોધ (Noise) 👉 કર્મચારીના ઈમેલ ઇનબોક્સમાં સ્પામ તરીકે મેસેજ જતો રહે અથવા ઈન્ટરનેટ કનેક્શન ન હોય.
=======#========#=========#=======#=========#=======
પ્રત્યાયનના અવરોધો
આ એવા તત્ત્વો કે પરિબળો જે પ્રેષક (Sender) દ્વારા મોકલેલા સંદેશાને પ્રાપ્તકર્તા (Receiver) સુધી તેના મૂળ સ્વરૂપ અને અર્થમાં પહોંચવામાં અવરોધ કે અડચણ ઊભી કરે છે. સાદી ભાષામાં, જ્યારે તમે કોઈને કંઈક કહો છો, અને તે વ્યક્તિ તમે જે કહેવા માંગો છો તે બરાબર સમજી શકતી નથી, ત્યારે તે અવરોધ છે.
પ્રત્યાયનના અવરોધો કે વિક્ષેપોને તેમની લાક્ષણિકતાઓને આધારે ચા૨ વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
💢 ભૌતિક અવરોધો
ભૌતિક અવરોધો એટલે એવા અવરોધો કે જે વાતાવ૨ણ સંબંધી કે વ્યક્તિની શારીરિક બાબતો સાથે સંકળાયેલ હોય. આવા અવરોધો સહેલાઇથી ઓળખી શકાય છે. સ્રોત અને મુકામના સ્થળે અવાજ, ઘોંઘાટ, ખલેલ, વધુ પડતો કે આછો પ્રકાશ, હવાની અવ૨- જવ૨માં રૂકાવટ, પ્રતિકૂળ વાતાવ૨ણની અસ૨, પવન, તોફાન, વ૨સાદ તેમજ શારીરિક પ્રતિકૂળતા, નાદુ૨સ્ત તબિયત વગેરે ભૌતિક અવરોધો છે. તેના કા૨ણે સંદેશઓનું યોગ્ય રીતે પ્રત્યાયન થતું નથી. અયોગ્ય બેઠક વ્યવસ્થા, પ્રસારણનાં સાધનોમાં ખામી, અયોગ્ય સ્થળ પસંદગી (પડઘા પડતા હોય) વગેરે પણ ભૌતિક અવરોધો છે.
💢 ભાષાને લગતા અવરોધો
શાબ્દિક પ્રત્યાયનનો પાયો ભાષા છે. વિશ્વમાં અનેક ભાષાઓ બોલાય છે. એટલું નહીં એક જ ભાષાની અનેક બોલીઓ પણ હોય છે. પ્રત્યેક બોલીની આગવી વિશેષતા હોય છે. બધા લોકો બધી જ ભાષાનું જ્ઞાન ધરાવતા હોતા નથી. ભાષા અને બોલી અંગેની જાણકારીનો અભાવ પ્રત્યાયનમાં અવરોધ બને છે. જો વક્તા પ્રવચનમાં શબ્દ આડંબર કરે એટલે કે ભારેખમ શબ્દોનો ઉપયોગ કરે કે બિનજરૂરી અપ્રસ્તુત શબ્દોનો ઉપયોગ કરે તો તે પણ પ્રત્યાયનમાં અવરોધ બને છે. શબ્દાળુતા એટલે કે વધુ પડતા શબ્દો પણ પ્રત્યાયનની અસરકારક્તા ઘટાડી શકે છે. નબળું ભાષા કૌશલ્ય, નબળું વાચન અર્થગ્રહણ, નબળું શ્રવણ અર્થગ્રહણ, સિમિત શબ્દભંડોળ, ભાષાના વ્યાક૨ણના જ્ઞાનનો અભાવ, વિચારોની અભિવ્યક્તિના આયોજનનો અભાવ, નબળા હસ્તાક્ષરો, નબળું મુદ્રણ વગેરે પ્રત્યાયનમાં વિક્ષેપ પેદા કરે છે.
💢 માનસિક પાસાંઓ.
પ્રત્યાયન દરમિયાન માહિતી મોકલના૨ અને સ્વીકા૨ના૨ના હેતુઓ, માન્યતાઓ, સમજણ, વલણો, અભિરૂચિ, પૂર્વગ્રહ, એકાગ્રતાનો અભાવ, તાણ, અજંપો, વધુ પડતી અપેક્ષાઓ, પ્રે૨ણો, દિવાસ્વપ્નો વગેરે માનસિક પાસાંઓ પ્રત્યાયન પ્રક્રિયામાં અવરોધક બની શકે છે. સામાન્ય રીતે માનસિક પાસાંઓ વ્યક્તિને માનસિક રીતે પ્રત્યાયન પ્રક્રિયામાંથી અલગ કરી દે છે. જો તમારી સાથે પ્રત્યાયનમાં જોડાયેલ કોઇ વ્યક્તિ તમારી વાત સમજતો ન હોય કે તમારી વાતમાં રસ ધરાવતો ન હોય તો એવું બની શકે કે તમે તમારી વાત સમજાવવાનો પ્રયત્ન બંધ કરી દેશો. આમ શ્રોતા શારીરિક રીતે હાજર હોય પણ માનસિક રીતે તેની ગે૨હાજરી હોય તો તે પ્રત્યાયન અવરોધ બને છે.
💢 પશ્ચાદ ભૂમિકા.પ્રત્યેક વ્યક્તિની કોઈને કોઈ પશ્ચાદ ભૂમિકા હોય છે. જેમાં વ્યક્તિ પ૨ના કુટુંબ, સમાજ, સંસ્થાનો પ્રભાવ, પૂર્વ અનુભવોની સારી કે વિપરિત અસરો, તે વખતની સંવેદનાઓ-પ્રે૨ણોનો સમાવેશ પ્રત્યાયન અવરોધોમાં થાય છે. પ્રત્યાયન પ્રક્રિયામાં સંસ્કૃતિ, સામાજિક સ્થિતિ, ધર્મ-ભેદ, જાતિયતા અવરોધ ઉભો કરે છે. ઘણીવા૨ પશ્ચાદ ભૂમિકાને માનસિક પાસાંઓથી અલગ પાડવા મુશ્કેલ બને છે. જુદી જુદી સંસ્કૃતિમાં ૨હેતા, ઉછ૨તા લોકોના અશાબ્દિક પ્રત્યાયનના કેટલાંક સંદેશઓના જુદા જુદા અર્થ થતા હોય છે. આ અંગેની જાણકારીનો અભાવ પ્રત્યાયન અવરોધ પેદા કરે છે.
=======#========#=========#=======#=========#=======
પ્રત્યાયન ક્યારે નિષ્ફળ જાય છે ? OR પ્રત્યાયન નિષ્ફળ જવાના કારણો જણાવો.
પ્રત્યાયન એ માહિતી મોકલનાર અને માહિતી મેળવનાર વચ્ચે થતી હેતુસભર પ્રક્રિયા છે. યોગ્ય અર્થગ્રહણ માટે બે વ્યક્તિઓ વચ્ચેનું પ્રત્યાયન બને તેટલું સરળ બનવું જોઇએ. એ પણ યાદ રાખવું જરૂરી છે કે વાતચિત(talking) અને પ્રત્યાયન (communication) વચ્ચે ઘણો તફાવત છે. પ્રત્યાયનનો ચોક્કસ હેતુ હોય છે. જયારે પ્રત્યાયન પ્રક્રિયા થાય છે ત્યારે મોકલાયેલા સંદેશનો અર્થ બંને પક્ષે સમાન બને છે.
પ્રત્યાયન (Communication) ત્યારે નિષ્ફળ જાય છે જ્યારે પ્રેષક (Sender) દ્વારા મોકલેલો સંદેશો તેના મૂળ અર્થ અને હેતુ સાથે પ્રાપ્તકર્તા (Receiver) સુધી પહોંચતો નથી અને પ્રાપ્તકર્તા તે પ્રમાણે યોગ્ય પ્રતિભાવ (Feedback) આપી શકતો નથી. સાદી ભાષામાં, જ્યારે બોલનાર વ્યક્તિ જે કહેવા માંગે છે, તે સાંભળનાર વ્યક્તિ બરાબર સમજી શકતી નથી, ત્યારે પ્રત્યાયન નિષ્ફળ ગયું ગણાય.
પ્રત્યાયન નિષ્ફળ જવાનાં કેટલાંક સામાન્ય કા૨ણો :
હેતુ અને સ્પષ્ટતાનો અભાવ
👉 સંદેશ મોકલના૨ અને/અથવા સંદેશ સ્વીકા૨ના૨ પ્રત્યાયનના હેતુથી વાકેફ ન હોય.
👉 બન્ને કે કોઈ એક પક્ષે સ્પષ્ટતાનો અભાવ હોય.
વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક અવરોધો
👉 બન્ને પક્ષે કે કોઈ એક પક્ષે શારીરિક, માનસિક અને સાંવેગિક સ્વસ્થતા ન હોય. બંને કે કોઈ એક પક્ષ પૂર્વગ્રહ કે નકારાત્મક વલણ ધરાવતા હોય.
👉 બન્ને પક્ષે કે કોઈ એક પક્ષે, અભિરૂચિ, એકાગ્રતા, સક્રિયતા અને સામેલગીરીનો અભાવ હોય.
ભાષાકીય અને સાંસ્કૃતિક અવરોધો
👉 જેમના વચ્ચે પ્રત્યાયન થઈ રહ્યું હોય તે વિવિધ સંસ્કૃતિના હોય, અલગ અલગ ભાષા કે બોલી બોલતા કે સમજતા હોય, ભાષાનાં શ્રાવ્ય, લેખન, વાચન વગેરે કૌશલ્યના વિકાસનો અભાવ હોય, નબળું શબ્દભંડોળ હોય, ભાષાના વ્યાક૨ણની જાણકારી ન હોય.
પ્રક્રિયા
સંબંધી અવરોધો
👉 સંદેશના વહન માટે સંદેશનું સંકેતીક૨ણ, વિસંકેતીક૨ણ અને સંદેશના વહન માટે માધ્યમની પસંદગી યોગ્ય રીતે થયા ન હોય.
👉 પ્રતિપોષણ,પ્રતિચા૨નો અભાવ હોય કે અયોગ્ય પ્રતિપોષણ,નકારાત્મક કે બનાવટી પ્રતિચાર હોય.
ભૌતિક અને પર્યાવરણીય અવરોધો
👉 પ્રત્યાયન સ્થળ, માધ્યમ પસંદગી, પ્રત્યાયન સમય અને સમય ગાળો યોગ્ય ન હોય.
👉 પ્રત્યાયન માટે સ્થળ, સમય અને માધ્યમની પસંદગી યોગ્ય ન હોય તો તે નિષ્ફળ જઈ શકે છે. ઉદાહરણ તરીકે, ઘોંઘાટવાળી જગ્યાએ ગંભીર ચર્ચા કરવી અથવા ઈમરજન્સી સંદેશો મોકલવા માટે ધીમા પત્રનો ઉપયોગ કરવો.
=======#========#=========#=======#=========#=======
પ્રત્યાયનમાં ભાષા ક્યારે અવરોધ બને છે.
👉 શાબ્દિક પ્રત્યાયનનો પાયો ભાષા છે. વિશ્વમાં અનેક ભાષાઓ બોલાય છે. એટલું નહીં એક જ ભાષાની અનેક બોલીઓ પણ હોય છે. પ્રત્યેક બોલીની આગવી વિશેષતા હોય છે. બધા લોકો બધી જ ભાષાનું જ્ઞાન ધરાવતા હોતા નથી. ભાષા અને બોલી અંગેની જાણકારીનો અભાવ પ્રત્યાયનમાં અવરોધ બને છે.
👉 જો વક્તા પ્રવચનમાં શબ્દ આડંબર કરે એટલે કે ભારેખમ શબ્દોનો ઉપયોગ કરે કે બિનજરૂરી અપ્રસ્તુત શબ્દોનો ઉપયોગ કરે તો તે પણ પ્રત્યાયનમાં અવરોધ બને છે. શબ્દાળુતા એટલે કે વધુ પડતા શબ્દો પણ પ્રત્યાયનની અસરકારક્તા ઘટાડી શકે છે. નબળું ભાષા કૌશલ્ય, નબળું વાચન અર્થગ્રહણ, નબળું શ્રવણ અર્થગ્રહણ, સિમિત શબ્દભંડોળ, ભાષાના વ્યાક૨ણના જ્ઞાનનો અભાવ, વિચારોની અભિવ્યક્તિના આયોજનનો અભાવ, નબળા હસ્તાક્ષરો, નબળું મુદ્રણ વગેરે પ્રત્યાયનમાં વિક્ષેપ પેદા કરે છે.
👉 ( ભાષા તફાવત ) જ્યારે સંદેશ મોકલનાર જે ભાષા (દા.ત., ગુજરાતી) વાપરે છે, તે સંદેશ મેળવનાર (દા.ત., તમિલ ભાષી) સમજી શકતો ન હોય. આ સૌથી મોટો અને સીધો અવરોધ છે.
👉 ( અસ્પષ્ટ શબ્દો ) એક જ શબ્દના જુદા જુદા સંદર્ભમાં જુદા જુદા અર્થ થતા હોય. જો સંદર્ભ સ્પષ્ટ ન હોય, તો મેળવનાર ગેરસમજ કરી શકે છે. (દા.ત., 'ભાવ' શબ્દનો અર્થ 'લાગણી' કે 'કિંમત' હોઈ શકે છે.)
👉 ( અઘરા શબ્દો ) જ્યારે સંદેશ મોકલનાર કોઈ ખાસ ક્ષેત્રના (દા.ત., વૈજ્ઞાનિક કે કાયદાકીય) એવા શબ્દો વાપરે જે સામાન્ય વ્યક્તિ ન સમજતી હોય.
👉 ( ખરાબ ભાષાંતર) જ્યારે એક ભાષામાંથી બીજી ભાષામાં ભાષાંતર કરવામાં આવે અને તે ચોક્કસ કે સચોટ ન હોય, ત્યારે મૂળ સંદેશનો અર્થ બદલાઈ જાય છે.
=======#========#=========#=======#=========#=======
પ્રત્યાયન પ્રક્રિયાના સંદર્ભમાં નીચેના શબ્દો સમજાવો.
(1) સ્રોત
(2) સાંકેતીકરણ (3) મુકામ (4) ચેનલ
(૧) સ્રોત (Source)
સ્રોત એટલે તે વ્યક્તિ, સંસ્થા કે માધ્યમ, જે સંદેશો મોકલવાની શરૂઆત કરે છે. પ્રત્યાયન પ્રક્રિયાની શરૂઆત સ્રોતથી થાય છે.
ભૂમિકા: સ્રોત તેના મનમાં રહેલા વિચાર અથવા માહિતી ને અન્ય વ્યક્તિઓ સુધી પહોંચાડવા માંગે છે.
અસર: સ્રોતનું જ્ઞાન, અનુભવ, કૌશલ્ય અને વલણ (Attitude) તેના દ્વારા મોકલાયેલા સંદેશાની અસરકારકતા પર સીધી અસર કરે છે.
(૨) સાંકેતીકરણ (Encoding)
સાંકેતીકરણ એટલે સ્રોત (પ્રેષક) દ્વારા પોતાના મનમાં રહેલા વિચાર, માહિતી કે લાગણી ને અન્ય વ્યક્તિ સમજી શકે તેવા પ્રતીકો, શબ્દો, ચિહ્નો, ચિત્રો અથવા હાવભાવ ના રૂપમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા.
ભૂમિકા: આ પ્રક્રિયા સંદેશાને એક વ્યવહારુ સ્વરૂપ આપે છે, જેથી તે માધ્યમ (ચેનલ) દ્વારા મોકલી શકાય.
નિષ્ફળતા: જો સાંકેતીકરણ યોગ્ય રીતે ન થાય (દા.ત., અસ્પષ્ટ શબ્દો વાપરવા), તો સંદેશો તેના મૂળ સ્વરૂપમાં પ્રાપ્તકર્તા સુધી પહોંચતો નથી.
(૩) મુકામ (Destination) (પ્રાપ્તકર્તા/Receiver)
મુકામ એટલે તે વ્યક્તિ અથવા જૂથ, જેના માટે સંદેશો મોકલવામાં આવ્યો છે અને જે તેને પ્રાપ્ત કરીને તેનો અર્થઘટન કરે છે. પ્રત્યાયન પ્રક્રિયા મુકામ સુધી સંદેશો પહોંચાડવાનો હેતુ ધરાવે છે.
ભૂમિકા: મુકામ સંદેશાનું વિસંકેતીકરણ (Decoding) કરે છે, એટલે કે સંદેશામાં રહેલા સંકેતોનો અર્થ સમજીને ગ્રહણ કરે છે.
અંતિમ કાર્ય: સંદેશો સમજ્યા પછી મુકામ પ્રતિભાવ (Feedback) આપે છે, જેનાથી પ્રત્યાયન ચક્ર પૂર્ણ થાય છે.
(૪) ચેનલ (Channel) - (માધ્યમ/Medium)
ચેનલ એટલે તે રસ્તો, સાધન કે માધ્યમ, જેના દ્વારા સાંકેતિક સ્વરૂપમાં રહેલો સંદેશો સ્રોતથી મુકામ સુધી પહોંચાડવામાં આવે છે.
પ્રકારો: ચેનલ દ્રશ્ય (Visually), શ્રાવ્ય (Auditory), લેખિત (Written), કે સ્પર્શીય (Tactile) હોઈ શકે છે.
ઉદાહરણો:
લેખિત: ઈમેલ, પત્ર, અહેવાલ, નોટિસ.
શ્રાવ્ય: ટેલિફોન કોલ, રેડિયો, રૂબરૂ વાતચીત.
દ્રશ્ય-શ્રાવ્ય: વિડિયો કોન્ફરન્સ, ટીવી, રૂબરૂ પ્રસ્તુતિ.
અવરોધ: જો ચેનલ યોગ્ય ન હોય કે તેમાં અવરોધ (Noise) આવે, તો સંદેશો ખામીયુક્ત સ્વરૂપમાં પહોંચે છે.
પ્રત્યાયનની આ પ્રક્રિયાને નીચેના ચક્ર દ્વારા સમજી શકાય છે:
સ્રોત (Source) સાંકેતીકરણ (Encoding) ચેનલ (Channel) મુકામ (Destination)
